Site icon Revoi.in

સાબરમતી નદીના પૂરના પાણી ધોળકા અને ખેડા તાલુકામાં ફરી વળ્યા

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. તેના લીધે ધોળકા અને ખેડાના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા હતા.ધોળકા અને ખેડા તાલુકાઓમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. ધોળકાથી સરખેજ તરફ જતો હાઇવે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ખેડાથી ધોળકા જતો હાઇવે બંધ કરવામાં આવતા વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાં વરસાદના લીધે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સાથળ, સહીજ, ગિરદ, બદરખા, અને ભાત સહિતના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.  જેના કારણે ધોળકાથી સરખેજ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ખેડા શહેરને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પણ વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, ખેડા-ધોળકા રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરમતી નદીમાં પૂર આવતા ખેડા જિલ્લાના માતર તાલુકામાં તારાજી સર્જી છે. પાલ્લા, માતર, રસીકપુરા અને નધાનપુર સહિત આસપાસના ગામોમાં સાબરમતી અને વાત્રક નદીના પાણી ઘૂસી ગયા હતા.