મહેસાણા, 3 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળિયા લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે. ત્યારે મહેસાણા ફૂડ વિભાગે જિલ્લાના ચડાસણા ગામે રેડ પાડીને અંદાજે 70થી 80 કિલો શંકાસ્પદ માવો જપ્ત કર્યો હતો. આ ભેળસેળિયો માવો બહુચરાજી તેમજ આસપાસના અન્ય સેન્ટરોમાં મીઠાઈના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો.
રાજ્યમાં પનીર, ઘી, દૂધ જેવી અનેક વસ્તુઓ નકલી મળી રહી છે. ત્યારે સોમવારે મહેસાણા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિરુદ્ધ લાલ આંખ કરી છે. બહુચરાજી તાલુકાના ચડાસણા ગામમાં મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડો પાડીને મોટા પાયે ચાલી રહેલા નકલી માવાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 70 થી 80 કિલો શંકાસ્પદ માવો જપ્ત કરવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લાના આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફૂડના અધિકારી વી. જે. ચૌધરી અને ટીમને નકલી માવા અંગેની બાતમી મળી હતી. જેના આધારે આ રેડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આ માવો સ્વાસ્થ્ય માટે હાનિકારક પામોલિન તેલમાંથી બનાવવામાં આવતો હતો. આ ભેળસેળિયો માવો બહુચરાજી તેમજ આસપાસના અન્ય સેન્ટરોમાં મીઠાઈના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. ફૂડ વિભાગની ટીમે જપ્ત કરેલા 80 કિલો શંકાસ્પદ માવાના જથ્થાનો માનવ સ્વાસ્થ્યને જોખમ ન પહોંચે તે માટે સ્થળ પર જ નાશ કર્યો હતો. આ સાથે જ અધિકારીઓએ તપાસ માટે માવાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કામગીરીથી પંથકના ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

