નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: દેશના વિવિધ ભાગોમાં હવામાનનો મિજાજ એકવાર ફરી બદલાયો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, દેશના ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. બદલાતા હવામાનને પગલે પ્રશાસન અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદાખ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા સાથે ગાજવીજ અને ક્યાંક-ક્યાંક કરા પડવાની સંભાવના છે.
આંધ્રપ્રદેશ, ઓડિશા, વિદર્ભ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં આકાશમાંથી વીજળી પડવા સાથે વરસાદની આશંકા સેવાઈ રહી છે. દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ અને ગોવામા આજે વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેવાનું અનુમાન છે, જેના કારણે લોકોને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખીને લોકોને અસુરક્ષિત વિસ્તારો અને વૃક્ષોની નીચે ઊભા ન રહેવા તેમજ સાવચેતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.


