1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં 6 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય તેવા કેસમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત કરાશેઃ અમિત શાહ
દેશમાં 6 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય તેવા કેસમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત કરાશેઃ અમિત શાહ

દેશમાં 6 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય તેવા કેસમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત કરાશેઃ અમિત શાહ

0
Social Share

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરાશે. જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કન્વિક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપૂર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં “ફોરેન્સિક તપાસ” ફરજિયાત કરવામાં આવશે. જેનાથી આવા જઘન્ય ગુનાઓમાં દોષસિદ્ધિનો દર વધારવામાં મદદ મળશે તેમ જ તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા પણ વધશે, આ માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ફોરેન્સિક સાયન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. આ જરૂરી સુધારા કરતા પહેલાં સમગ્ર દેશમાં ફોરેન્સિક નિષ્ણાંત અને સંબંધિત સપોર્ટ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉભી કરી દેવામાં આવશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના મુખ્ય અતિથિપદે તેમજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર, કાયદા અને ન્યાય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, યુગાન્ડાના સંરક્ષણ મંત્રી અને વેટરન અફેર્સ વિન્સેન્ટ સેમ્પિજ્જા, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી શરૂ કરેલી સફર આજે આ નેશનલ યુનિવર્સિટી બનીને આજે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. ત્યારે આપ સૌ પણ પોતાની જવાબદારી સાથે દેશના સર્વાંગી વિકાસ અને સામાજિક જવાબદારીમાં પણ પોતાનું દાયિત્વ નિભાવશો એવો વિશ્વાસ છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓને સમાજ અને સિસ્ટમના અપગ્રેડેશન માટે પણ કામ કરવા અને પોતાની માતૃભાષાને ક્યારેય ન ભૂલી પોતાના ઘરે માતૃભાષામાં જ બોલવા-લખવા અને વાંચવા અનુરોધ કર્યો હતો.

શાહે વધુમાં જણાવ્યુ કે, દેશમાં દોષ સિદ્ધિ Covinction rate વધારવા માટે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કૌશલ્ય ધરાવતા મેન પાવરની ખુબ જરૂરીયાતને ઘ્યાનમાં રાખીને એનએફએસયુની સ્થાપના કરવામાં આવી હતી. ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફોરેન્સિક મેનપાવર, ફોરેન્સિક ટેકનોલોજી અને ફોરેન્સિક રિસર્ચ આ ચાર સ્તંભોને મજબૂત કરીને વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ભારતને સક્ષમ બનાવવાનું લક્ષ્ય છે. આ ચાર સ્તંભોને મજબૂત બનાવીને ભારતને ફોરેન્સિક રિસર્ચના ક્ષેત્રે દુનિયાનું હબ બનાવાશે. એનએફએસયુ માત્ર ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે નિષ્ણાતો તૈયાર કરવા પૂરતી જ મર્યાદિત નથી પરંતુ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના તમામ અંગો જેવા કે પોલીસ ન્યાયપાલિકા વગેરેને પણ તાલીમ આપી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 28,000થી વધુ અધિકારીઓને એનએફએસયુ ખાતે તાલીમ અપાઈ ચૂકી છે.ગુનાના સ્થળ ઉપર વૈજ્ઞાનિક પરીક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી ફોરેન્સિક વાન, તમામ જરૂરી અદ્યતન સાધનો સાથે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ લેબ છે. જે આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે છે. આ મોબાઇલ લેબ સંપૂર્ણ સ્વદેશી ભારતીય કંપનીએ બનાવેલી લેબ છે જે સમગ્ર દેશના દરેક જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી દેશમાં તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા વધારી જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારી શકાય. હવે થર્ડ ડીગ્રીનો જમાનો નથી, ગુનાઓના ડિટેકશન માટે ફોરેન્સિક સપોર્ટને આધારે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને જરૂરી સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવામાં મદદ કરી ગુનેગારોને મહત્તમ સજા અપાવવામાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code