Site icon Revoi.in

છારી-ઢાંઢ’ને મળેલું વૈશ્વિક ‘રામસર સાઇટ’ દરજ્જાનું પ્રમાણપત્ર વનમંત્રીએ CMને કર્યુ અર્પણ

Social Share

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026:  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશીતાના પરિણામે કચ્છના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં (રામસર સાઇટ)સ્થાન મળ્યું છે.

છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને 31 જાન્યુઆરી, 2026ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ (આંતરરાષ્ટ્રીય મહત્વનું ધરાવતો જળપ્લાવિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણની યાત્રામાં નવું છોગુ ઉમેરાયું. આજે વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને છારીઢાંઢને મળેલા વૈશ્વિક રામસર સાઇટનાં પ્રમાણપત્રને વિધિવત રીતે અર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ મંત્રી અને સમગ્ર વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છારીઢાંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તાર તરીકે ‘રામસર’ સાઇટનું પ્રમાણપત્ર મળ્યું છે.

છારીઢાંઢ રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે આવેલો જળપ્લાવિત વિસ્તાર છે, જ્યાં દર વર્ષે હજારો પ્રવાસી પક્ષીઓ આવે છે. તેમાં વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) પક્ષીનો સમાવેશ થાય છે.

અહીં મહત્વની વાત નોંધવી રહી કે, વર્ષ 2008માં, જ્યારે  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની જોગવાઈઓ હેઠળ છારીઢાંઢને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના સરંક્ષણ માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યા અને આજે તેના ફળસ્વરૂપે, છારીઢાંઢને વૈશ્વિક ઓળખ મળી. છારીઢાંઢ વિશ્વભરના પક્ષીપ્રેમીઓ અને  સંશોધકો માટે પસંદગીનું સ્થળ બની ગયું છે.

વિવિધ દેશોનાં પ્રવાસીઓને ભારતમાં લાવવા માટે કામ કરતા ટૂર ઓપરેટર્સ અને પક્ષિવિજ્ઞાનીઓનાં જણાવ્યા મુજબ, છાંરીઢાંઢમાં આવતા કુલ પ્રવાસીઓમાં 80 ટકાથી વધુ પ્રવાસીઓ વિદેશથી આવે છે.  વિદેશથી આવતા પ્રવાસીઓમાં મુખ્યત્વે અમેરિકા, ઇંગ્લેન્ડ, અને ઓસ્ટ્રેલિયા તથા ફિનલેન્ડ, હોલેન્ડ, નેધરલેન્ડ જેવાં નોર્ડિક દેશોનાં પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી બાવન (52)થી વધુ દેશોનાં પ્રવાસીઓ છારીઢાંઢની મુલાકાત લઇ ચુક્યા છે અને આ દેશોમાંથી નિયમીતરીતે આ વિસ્તારની જૈવવિવિધતા જોવા માટે અહીં આવે છે.

છારીઢાંઢનું પર્યાવરણીય મહત્વ

છારીઢાંઢનો જળપ્લાવિત વિસ્તાર પક્ષી નિરીક્ષકો માટે મહત્વનું સ્થળ છે. કેમ કે, અહીંયા એક સાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને 187થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અહીં નોંધાયા છે.  ખાસ કરીને એક જ સ્થળે 40,૦૦૦થી વધુ કુંજ (કોમન ક્રેન) પક્ષીઓ જોવા મળે છે.

છારીઢાંઢની આસપાસ કુલ 283 પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, જેમાં 11 વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને 9 ‘નિયર થ્રેટન્ડ’ પ્રજાતિનાં પક્ષીઓનો સમાવેશ થાય છે, જે તેના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે.

Exit mobile version