Site icon Revoi.in

S G હાઈવે પર સરગાસણ બ્રિજ નજીક ચાર કાર એકબીજા સાથે ટકરાતા લાગી આગ

Social Share

ગાંધીનગર, 26 જુન, 2026 : Four cars collided with each other and caught fire સરખેજ-ગાંધીનગર હાઈવે પર ખાસ કરીને રાતના સમયે પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગત મોડી રાત્રે સરગાસણ બ્રિજ નજીક ચાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં ચાર કાર એકબીજા સાથે ટકરાયા બાદ ક્રેટાકારમાં આગ લાગી હતી.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  ગાંધીનગરના સરખેજ હાઇવે પર ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી ચાર લકઝુરિયસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સરગાસણ બ્રિજની શરૂઆતમાં સ્વાગત મોલની બિલકુલ સામે સર્જાયેલા આ અકસ્માતમાં ચારેય વાહનોનો કુરચો બોલી ગયો હતો. ક્રેટાના ચાલકે મહિન્દ્રા EVને પાછળથી ટક્કર મારી, જે આગળ જતી ઈનોવા સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ હ્યુન્ડાઈ ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.

અકસ્માતને નજરે જોનારા સ્થાનિક લોકોના કહેવા મુજબ  ઈજાગ્રસ્ત યુવાનોમાંથી ત્રણ યુવકો સંપૂર્ણપણે નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી રહ્યા હતા અને અકસ્માત સમયે ગાડીઓની સ્પીડ અંદાજે 130 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોવી જોઈએ. ગાંધીનગરમાં નશામાં ધૂત નબીરાઓએ SG હાઇવે બાનમાં લેતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ અકસ્માતમાં ઇનોવા (GJ01JT7623), હ્યુન્ડાઈ ક્રેટા (GJ01WV4423), મહિન્દ્રા 9 ઇવી (GJ02ER7677) અને ટાટા ટિયાગો (GJ01KX9652) નો સમાવેશ થાય છે. અકસ્માતમાં ટાટા ટિયાગો સહિત તમામ ગાડીઓને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં કારમાં સવાર ચાર જેટલા યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Exit mobile version