Site icon Revoi.in

રાજકોટમાં ચાર વર્ષનું બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા મોત

Social Share

રાજકોટઃ શહેરના નાણાવટી ચોક વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં રહેતા એક પરિવારના  ચાર વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાળક પોતાના ઘરની પાણીની ટાંકીમાં પડી ગયાની જાણ એકાદ કલાક બાદ પરિવારને થઈ હતી, જેને લઈને તરત જ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતી. જોકે, તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. ઘટનાને લઈને પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે. માતા-પિતા માટે ચેતવણી રૂપ આ બનાવ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નાણાવટી ચોક વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં રહેતા એક પરિવારનો 4 વર્ષિય બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જ્યારે થોડા સમય પછી બાળક પ્રતીક ન દેખાયો, ત્યારે તેના પિતા અને પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી. તેમણે આસપાસના લોકોને પણ પૂછપરછ કરી, પરંતુ પ્રતીક ક્યાંય મળ્યો નહિ. આખરે, તેમણે આસપાસના મકાનોમાં પણ શોધખોળ કરી. ઘરની નજીક આવેલી પાણીની ટાંકી ખુલ્લી હતી. જ્યારે રાહુલભાઈએ ટાંકીમાં જોયું, ત્યારે પ્રતીક અંદર બેભાન હાલતમાં પડ્યો હતો. આ દૃશ્ય જોઈને પરિવાર પર આભ ફાટ્યું હતું અને તાત્કાલિક બાળકને બહાર કાઢીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં પહોંચતા ડૉક્ટરોએ પ્રતીકને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

મૃતક બાળકનું નામ પ્રતીક રાહુલભાઈ અઘારા હતું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના 1 સપ્ટેમ્બરના સવારે લગભગ 10:30 કલાકે બની હતી. પ્રતીકના પિતા રાહુલભાઈ અઘારાએ જણાવ્યું કે, તેઓ અને તેમના પરિવારના સભ્યો ઘરની અંદર હતા. પ્રતીક ઘરમાં રમતો હતો અને અચાનક બહાર નીકળી ગયો હતો. પરિવારના સભ્યોને વાતની જાણ નહોતી. પ્રતીકનો મોટો ભાઈ તેના મામાના ઘરે જવાનો હોવાથી તેને તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જેથી શરૂઆતમાં પ્રતીક ગુમ થયો હોવાની જાણ થઈ નહોતી.

Exit mobile version