Site icon Revoi.in

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના થાંભલામાં વીજ કરંટથી યુવાનના મોતના કેસમાં કોન્ટ્રાકટર સામે FRI

Social Share

અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના મેન્ટેનન્સ માટે મ્યુનિ.કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપેલો છે. ત્યારે શહેરના ઘી કાંટા વિસ્તારમાં દૂધવાળી પોળ પાસે અઢી મહિના પહેલા વરસાદમાં સ્ટ્રીટ લાઈટના પોલમાં વીજ કરંટના કારણે જસરાજ ગોયલ નામના યુવકનું મૃત્યુ થયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના થાંભલાની મેન્ટેનન્સની જવાબદારી મેસર્સ સન ટ્રેડિંગ કંપનીની હોવા છતાં પણ કંપનીએ સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થિંગ આપેલું નહોતું અને અન્ય સુરક્ષા નહોતી રાખેલી, જેના કારણે કરંટ લાગતા યુવકનું મૃત્યુ થયું હતું. જેને લઇને મેસર્સ સન ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ બેદરકારીનો ગુનો શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી હતી કે, ગઈ તા, 16 જૂન, 2025ના રોજ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના ઘી કાંટા વિસ્તારમાં આવેલી દૂધવાળાની પોળ પાસે વરસાદી પાણી ભરાયેલા હતા અને વરસાદ પણ ચાલુ હતો. ત્યારે ઘી કાંટા વિસ્તારમાં પદ્માવતી કોમ્પ્લેક્સમાં ગારમેન્ટની દુકાનમાં નોકરી કરતો જસરાજ ગોયલ નામનો 21 વર્ષીય યુવક ત્યાંથી પસાર થતો હતો. આ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના થાંભલાનો કરંટ લાગતા બેભાન થઈને પાણીમાં પડી ગયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે જાણવાજોગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓ અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ ધરાવનારા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાથી મૃત્યુ થયું હતું. વિપક્ષ દ્વારા પણ આ મામલે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. દરમિયાન જસરાજ ગોયલના ભાઈ સ્વરૂપ ગોયલ દ્વારા આ સમગ્ર મામલે હવે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જસરાજ ગોયલનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના થાંભલાના કરંટથી મૃત્યુ થયું હતું, ત્યારે ઈલેક્ટ્રીક થાંભલાના મેન્ટેનન્સની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનને મેસર્સ સન ટ્રેડિંગ કંપનીને આપી હતી. કંપનીની જવાબદારી હોવા છતા સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થીંગ આપેલું નહોતું. સાથે જ જરૂરી સુરક્ષા રાખી નહોતી. લોકોની સુરક્ષાની જવાબદારી હોવા છતાં જાહેર જનતાની જિંદગી જોખમમાં મુકતા યુવકનું મૃત્યુ થયું હતું, જેથી સન ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.