Site icon Revoi.in

સુરતમાં રાંદેર કોઝ-વે નજીક પોલીસ જોઈને જુગારીઓ ભાગ્યા, બે જુગારીના નદીમાં પડતા મોત

Social Share

સુરતઃ શહેરના રાંદેરના કોઝવે ખાતે અવાવરૂ જગ્યાએ બપોરના ટાણે છ વ્યકિતઓ જુગાર રમતા હતા ત્યારે  પોલીસ પહોંચતા જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં પોલીસથી બચવા માટે એક આધેડ અને એક પ્રૌઢ વિયરના પાણીમાં કૂદી પડતા ડૂબી જતા બંનેના મોત નિપજ્યા હતા.

આ બનાવની વિગતો એવી છે કે, સુરત શહેરના  રાંદેર વિસ્તારમાં માલમવાડ સ્ટ્રીટમાં રહેતા 52 વર્ષીય ગુલામ નબી ઉર્ફે મંજુ ગુલામ મહોમ્મદ સફેદ અને 50 વર્ષીય મહોમ્મદ અમીન, મહોમ્મદ હુસેન હોટલવાલા અને તેમના ચાર મિત્ર સાથે ગઈકાલે બપોરે રાંદેરના ઈકબાલ નગર પાસે કોઝવે નજીક આવેલી અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા. તે સમયે ત્યાં અચાનક આવેલી પોલીસને જોઈને જુગારીઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા. જેમાં ગુલામ નબી અને મોહમદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા હતા. બંનેને કૂદતા જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, ફાયરની ટીમ ત્યાં પહોંચે તે પહેલા સ્થાનિકોએ બંનેને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

રાંદેર પોલીસ મથકમાં સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ મથકના ગુનાનો વોન્ટેડ આરોપી રાશીદ તુડો કોઝવે પાસે હોવાની બાતમી મળતા પોલીસ ટીમે તેને પકડવા કોઝવે પાસે ગઈ હતી અને ત્યાંથી તે મળી આવતા તેને ઝડપી લેવાયો હતો. તે સમયે અહીં જુગાર રમતા લોકો પોલીસને જોઈને આમ તેમ ભાગવા લાગ્યા હતાં. જેમાં બે શખસો વિયરના પાણીમાં કૂદી પડ્યા હતાં, બે ફરાર થઈ ગયા હતાં અને અન્યે બે શખસને ઝડપી લેવાયા હતાં. સમગ્ર ઘટના અંગે હાલ તપાસ શરૂ છે.  મૃતક ગુલામનબીને બે સંતાન છે અને તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતો હતો. મહોમ્મદ અમીનને પણ બે સંતાન છે અને તે પણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતો હતો.