અમદાવાદઃ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજભવનમાં આવેલા દયાનંદ હોલ ખાતે આજે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને મહિલા ધારાસભ્યો, ગાંધીનગરના મેયર સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી દિવ્યાંગ સહિતની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધીને તેમને દીર્ઘાયુના આશીર્વાદ આપીને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વર્ષે મહત્વપૂર્ણ બાબત એ હતી કે, ખાસ લધુમતી સમાજની બહેનો પણ રક્ષાબંધન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ 100 ફુટ લાંબી રાખડીમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતીની અને ઓપરેશન સિંદુરની રાખડી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરી હતી.
- રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના
ભાઈ – બહેનના અતૂટ સ્નેહના પ્રતીક સમા પર્વ રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. રાખડી બાંધીને બહેન ભાઈના દીર્ઘાયુષની પ્રાર્થના કરી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના.