Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.એ લાલ આંખ કરતા વેપારીઓએ બાકી ભાડાના 36 લાખ ભરી દીધા

Social Share

ગાંધીનગરઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની જગ્યામાં ટોકન દરથી લારી-ગલ્લા ઊભા રાખવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ મ્યુનિ.ની દુકાનો તેમજ શાક માર્કેટમાં ઓટલાં પણ ભાડેથી આપવામાં આવ્યા છે. પણ ભાડુઆતો દ્વારા ઘણા સમયથી ભાડુ ચૂંકવવામાં આવતું નથી. મીના બજાર અને સેક્ટર-21માં શાક માર્કેટના ઓટલા, માઇક્રો શોપીંગ, લારી- ગલ્લા અને પ્લોટનું 5.50 કરોડ રૂપિયાનું ભાડું 639 જેટલા વેપારીઓ પાસેથી વસૂલવાનું થાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશને સિલિંગ ઝૂંબેશની ચીમકી આપીને આખરી નોટિસો ફટકારતા 70 વેપારીઓએ 36 લાખ મ્યુનિમાં જમા કરાવી દીધા છે.

ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરોમાં માઇક્રો શોપીંગની દુકાનો, શાક માર્કેટના ઓટલા, લારી- ગલ્લા અને પ્લોટના બાકી ભાડા પેટે 639 વેપારીઓ પાસેથી 5.50 કરોડની બાકી વસૂલાતના પગલે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આખરી નોટીસ ફટકારી 10 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને 11મીથી સીલીંગની ઝુંબેશ હાથ ધરવાની હતી. જેના પગલે વેપારીઓએ બાકી ભાડું ભરવા માટે મ્યુનિની કચેરીમાં રીતસરનો ધસારો કર્યો હતો. માત્ર બે દિવસમાં જ 70 જેટલા વેપારીઓએ 36 લાખ રૂપિયાનું બાકી ભાડું ચૂકવી દીધું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં વર્ષો અગાઉ દબાણમાં હટાવવામાં આવતા લારી- ગલ્લાના વેપારીઓને તેમની રોજગારી છીનવાય નહીં તે માટે વિવિધ સ્થળોએ માઇક્રો શોપીંગની દુકાનો, સેક્ટર-21માં શાક માર્કેટના ઓટલા, વિવિધ સ્થળોએ લારી- ગલ્લા મૂકવા પ્લોટ આપવામાં આવ્યા છે. જેનું દર વર્ષે સામાન્ય ભાડું વસૂલવામાં આવે છે. તેમ છતાં વેપારીઓ નિયમિત ભાડું ભરતા નહીં હોવાથી બાકી ભાડાનો આંકડો કરોડોમાં પહોંચ્યો છે. મીના બજાર અને સેક્ટર-21માં શાક માર્કેટના ઓટલા, માઇક્રો શોપીંગ, લારી- ગલ્લા અને પ્લોટનું 5.50 કરોડ રૂપિયાનું ભાડું 639 જેટલા વેપારીઓ પાસેથી વસૂલવાનું થાય છે. દિવાળી દરમિયાન તેમને ધંધા- રોજગારમાં અડચણ ન થાય તે માટે મ્યુનિ. દ્વારા 10મી નવેમ્બર સુધીમાં ભાડું ભરી જવાની મુદ્દત આપવામાં આવી હતી અને તે પછી સીલીંગ ઝુંબેશ હાથ ધરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. નોટીસના પગલે વેપારીઓએ બાકી ભાડું ભરવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં ભારે ધસારો કર્યો હતો. જે વેપારીઓ બાકી ભાડુ નહીં ચુકવે તો  આગામી દિવસોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

Exit mobile version