Site icon Revoi.in

ગાંધીનગર એસટી ડેપોને દિવાળીને તહેવારોમાં 20 લાખની વધુ આવક થઈ

Social Share

ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં ગાંધીનગર એસટી ડેપોને પ્રતિદિન રૂપિયા 4.06 લાખ લેખે કુલ-5 દિવસમાં 20.30 લાખની આવક થઈ છે. ગાંધીનગરના ડેપોમાંથી 201 બસોએ સતત પાંચ દિવસ સુધી કુલ-294 ટ્રીપો મારી હતી. આથી એકસ્ટ્રા બસોનો લાભ 58830 મુસાફરોએ લાભ લીધો હતો.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિપાવલી પર્વોમાં પ્રવાસીઓ માટે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. તેમાં દરેક વિભાગીય નિયામક કચેરી દ્વારા નિયત કરેલા ડેપોમાંથી બસો દોડાવવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના ડેપોમાંથી એકસ્ટ્રા બસોને અમદાવાદ ડિવીઝનમાં મોકલવામાં આવી હતી. અમદાવાદના ગીતામંદિર ડેપોમાંથી દરરોજ પંચમહાલ વિસ્તારમાં એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. એકસ્ટ્રા બસો દોડાવવાની સાથે સાથે પ્રવાસીઓને કોઈ અગવડતા પડે નહી તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

એકસ્ટ્રા બસોના સંચાલન અંગે ગાંધીનગરના ડેપો મેનેજર હાર્દિક રાવલે જણાવ્યું છે કે દિપાવલી પર્વોમાં ગત તારીખ 17મી, ઓક્ટોબરથી તારીખ 21મી, ઓક્ટોબર સુધી ડેપોની 201 બસોને એકસ્ટ્રા સંચાલન માટે તબક્કાવાર અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. ગાંધીનગરના ડેપોની બસોને પંચમહાલ, હાલોલ, કાલોલ, ગોધરા સહિતના વિસ્તારના પ્રવાસીઓને તેમના વતનમાં મોકલવા માટે દોડાવી હતી. એકસ્ટ્રા બસોના સંચાલનમાં સતત પાંચ દિવસ તબક્કાવાર બસો મોકલવામાં આવતા પંચમહાલ વિસ્તારની કુલ-294 ટ્રીપો મારી હતી. બસોની ટ્રીપોથી તેના પૈડા 58830 કિમી દોડતા રહેતા પાંચ દિવસમાં ડેપોને રૂપિયા 20.30 લાખની આવક થવા પામી છે. એકસ્ટ્રા બસોના સંચાલનનો લાભ પંચમહાલ જતા 10790 મુસાફરોએ લાભ લીધો હતો.