Site icon Revoi.in

હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેન્ગ પકડાઈ

Social Share

વડોદરાઃ નેશનલ હાઈવે પરની હોટલો તેમજ હાઈવેની સાઈડ પર રાતના સમયે પાર્ક કરેલી ટ્રકો તેમજ અન્ય વાહનોમાંથી ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતા એક ગેન્ગને કરજણ પોલીસે દબોચી લીધી છે. આ ગેંગના સભ્યો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોના રહેવાસી છે અને તેમની પાસેથી ડીઝલ ભરેલા કેરબા, ખાલી કન્ટેનર, પાઇપ તેમજ ડીઝલની ટાંકી તોડવાના સાધનો મળી આવ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, કરજણ પાસે સુરવાડા ગામની સીમમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટેન્કરમાંથી 70 લિટર ડીઝલની ચોરી થઈ હતી. જેને લઈને પીઆઈ એ.કે. ભરવાડના નેતૃત્વમાં તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સરસવણી ગામ પાસે કટ નજીક નંબર પ્લેટ વગરની મારૂતિ સ્વિફ્ટ કાર શંકાસ્પદ લાગી હતી. તપાસમાં ડીઝલ ભરેલા-ખાલી કેરબા અને પ્લાસ્ટિક પાઇપ મળી આવતાં આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં લાવીને ઉંડી પૂછપરછમાં તેમણે ડીઝલ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે પેટ્રોલ અને ડીઝલ ચોરીના ગુનામાં અદેસિંહ ઉર્ફે અજય વખતસિંહ સોલંકી. (રહે અમરાપુરા, ચોરાવાળું ફળિયું, તા. સાવલી,) , શૈલેષભાઈ પ્રભાતભાઈ પરમાર (રહે, રાસાવાડી, કુવાવાળું ફળિયું, તા. સાવલી), તથા વિજયભાઈ શનાભાઈ સોલંકી (રહે, કુનપાડ, ભાથીજીવાળું ફળિયું, તા. સાવલી), તેમજ કિરણકુમાર ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી (રહે, અમરાપુરા, બાર ફળિયું, તા. સાવલી) ની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછતાછમાં એવી હકિકત જાણવા મળી છે કે, આરોપીઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓના હાઇવે પર ખામીને કારણે અટકેલા કે પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવતા હતા.  અને પેટ્રોલ-ડીઝનની ટાંકી તોડીને ચોરી કરતા હતા. આરોપીઓ મારૂતીકાર લઈને હાઈવે પર પાર્ક કરેલા વાહનો શોધતા હતા. પોલીસે કાર સહિત માલ-સામના જપ્ત કર્યો છે.