- પોલીસે 11 નકલી સોનાના બિસ્કિટ, રોકડ સહિત કુલ રૂ. 14 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો,
- આરોપીઓ સોશિયલ મીડિયા પર એકના ડબલની લાલચ આપી લોકોને ફસાવતા હતા,
- બજાર ભાવ કરતા સસ્તા સોનાની લાલચ આપી લોકોને ઠગતા હતા
ભૂજઃ કચ્છમાં સસ્તા સોનાની લાલચ અને એકના ડબલ કરવાની લાલચ આપીને નકલી સોનું અને ફેક નોટો પધરાવતી ગેન્ગનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પડદાફાશ કરીને એક આરોપીને દબોચી લીધે છે. અને ગેન્ગના ચાર શખસોને પકડવાની તજવીજ હાથ ધરી છે. ગેન્ગના સૂત્રધાર પાસેથી પોલીસે 11 નકલી સોનાના બિસ્કીટ, એક સોનાનું બિસ્કિટ તથા 99.30 લાખની અસલી અને નકલી નોટો સહિત 1.14 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભૂજમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એલસીબી પોલીસે એકની અટકાયત કરી અન્ય ચારની સંડોવણી ખુલી પાડી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર એક લાખના બદલે પાંચ લાખ અને સસ્તા ભાવે સોનાની ઓફર કરીને છેતરપિંડી કરતા હતા. પોલીસે 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ બાતમીના આધારે ‘એકના ડબલ’ અને સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપી અજરુદ્દીન કાસમશા શેખની ધરપકડ કરી તેની પાસેથી રૂ. 99.30 લાખની સાચી-ખોટી ચલણી નોટો, 11 નકલી સોનાના બિસ્કિટ, એક સાચું સોનાનું બિસ્કિટ અને રોકડ સહિત કુલ રૂ. 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર અલગ-અલગ આઈડી બનાવીને સક્રિય હતી. તેઓ ભારતીય ચલણી નોટોના બંડલો (જેમાં પ્રથમ નોટ સાચી અને બાકીની કોરી હોય) અને સસ્તા સોનાના બિસ્કિટના વીડિયો બનાવી વાયરલ કરતા હતા. આ વીડિયો દ્વારા તેઓ લોકોને એક લાખના પાંચ લાખ કરવા અથવા બજાર ભાવ કરતાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા હતા.
LCB પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેઠી અને પીએસઆઇ જે.બી. જાદવે આવા ગુનાઓ અટકાવવા અને આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ભુજના સરપટનાકા પાસે શેખ ફળિયામાં રહેતા રમજુશા કાસમશા શેખ, અજરુદ્દીન કાસમશા શેખ અને અલીશા કાસમશા શેખ ચીટિંગ કરવાની ટેવવાળા છે. તેઓ સોશિયલ મીડિયા પર લોભામણા વીડિયો બનાવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી રહ્યા છે. આ મામલે અજરુદ્દીન કાસમશા શેખ ઉપરાંત રમજુશા કાસમશા શેખ, અલીશા કાસમશા શેખ, શેખડાડા (રહે. અંજાર) અને સુલતાન લંધા (રહે. ભુજ) વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

