
અમદાવાદઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દાતાઓના દાનની સરવાણી અને સરકારી સહાયના સહારે ચાલતા ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા ગૌવંશ સહિતના પશુધનની હાલત ગંભીર બની છે. સરકારે અગાઉ 500 કરોડની જાહેરાત કર્યા બાદ એક પણ રૂપિયો ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ન ચૂકવતા હાલમાં સંસ્થાઓની નિભાવણીમાં મુશ્કેલી પડી રહી છે.આ અંગે સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખી સાત દિવસમાં સહાય ચૂકવવામાં નહીં આવે તો પશુધનને નજીકની સરકારી કચેરીઓમાં છૂટા મૂકી દેવાશે તેવી ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં 1500 થી વધુ ગૌશાળાઓમાં 4.50 લાખથી વધુ ગૌવંશ સહિતના પશુઓ આશ્રય લઈ રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગૌશાળાઓ આવેલી છે. બનાસકાંઠામાં કુલ 170થી વધુ ગૌશાળાઓમાં 75,000 થી વધુ પશુઓ આશ્રય લઈ રહ્યા છે. આ ગૌશાળાઓ પાંજરાપોળો દાતાઓની દાનની સરવાણીના સહારે ચાલતી હતી, પરંતુ કોરોના મહામારી બાદ પ્રવર્તી રહેલી આર્થિક મંદીના કારણે દાતાઓના દાનનો પ્રવાહ ખૂબ જ ધીમો પડી ગયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌશાળા પાંજરાપોળોમાં એક પશુના નિભાવવા માટે દૈનિક રૂપિયા 60 થી 70 જેટલો ખર્ચ થાય છે તે હિસાબે ગૌશાળા પાંજરાપોળોને લાખો રૂપિયાના દાનની કે સહાયની જરૂર પડે છે. ત્યારે અબોલ જીવોના નિભાવ માટે સરકાર તરફથી કાયમી યોજના અમલી બનાવવાની માંગણી ઘણાં વર્ષોથી ચાલતી હતી. જેના અનુસંધાને રાજ્યની સરકાર દ્વારા 2022-23નાં બજેટમાં રૂ.500 કરોડની સહાય અંગે જાહેરાત કરાઈ હતી. હાલમાં દરેક સંસ્થાઓ પાસે રોજેરોજ પશુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તેનો ખર્ચ પણ વધી રહ્યો છે. તો બીજીબાજુ ઉધારમાં મળતું ઘાસ પણ હવે મળતું બંધ થઇ ગયું છે. આથી ગૌ શાળાઓ અને પાંજરાપોળના સંચાલકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી બજેટમાં કરેલી જાહેરાત મુજબ તાત્કાલિક સંસ્થાઓને સહાયની ચુકવણી કરવા માંગ કરી છે. જો સરકાર તરફથી 7 દિવસમાં આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહિ પહોચે તો સંસ્થાઓમાં આશ્રિત પશુઓ માટેનો ઘાસચારો ખૂટી જતા તબક્કાવાર સંસ્થાઓએ ગૌવંશ સહિતના જીવોનું જીવન બચાવવા માટે પશુઓને લઈને નજીકની સરકારી કચરીઓએ લાવી લોકો પાસેથી આર્થિક સહાય તેમજ ઘાસચારાની વ્યવસ્થા કરવા મજબુર બનવું પડશે તેવી ચીમકી પણ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર આવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલા ત્રણ માસની બાકી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોચે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.