Site icon Revoi.in

અમદાવાદના ઘાટલોડિયામાં દવા નાંખેલા તલ ખાધા બાદ યુવતીનું મોત

Social Share

અમદાવાદઃ અનાજ ન બગડે તે માટે જંતુનાશક દવા કે ટિકડીઓ પોટલીમાં બાંધીને અનાજમાં મુકવામાં આવતી હોય છે. ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિવારે તલ ન બગડે તે માટે તલના ડબ્બામાં જંતુનાશક દવા મુકી હતી. જંતુનાશક દવાએ પરિવારની યુવતીનો ભોગ લીધો છે. ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવતીને ભૂખ લાગતા તલનો ડબ્બો હાથમાં લીધો હતો.ડબ્બામાંથી તલ ખાધા બાદ તેની તબિયત લથડી હતી.યુવતીના પરિવારજનોએ યુવતીને સારવાર માટે ખસેડી હતી. સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું છે. યુવતીના મોત અંગે તપાસમાં તલમાં અનાજ ન બગડે તેવી ઝેરી દવા નાખી હોવાના કારણે તેની તબિયત બગડ્યા બાદ મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યું હતું.આ મામલે ઘાટલોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનનાં પુષ્પાબેન સુથાર શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી હિરાબાગ સોસાયટીમાં રહે છે. તેમને સંતાનમાં 22 વર્ષીય પુત્રી દિશા સહિત ત્રણ સંતાનો છે. ગત તા. 25 ઓક્ટોબરે પુષ્પાબેનની પુત્રી દિશાને ભૂખ લાગતા રસોડામાં ગઈ હતી. દિશાએ રસોડામાં પડેલાં નાસ્તાના ડબ્બા ફેંદ્યા હતા. પરંતુ નાસ્તો ન મળતા દિશાએ તલ ભરેલો ડબ્બો લઈને થોડા તલ ખાધા પછી તેની તબિયત લથડી હતી અને ઊલટીઓ થવા લાગી હતી. દિશાની માતાને પુત્રીની તબિયત લથડી હોવાનું ધ્યાને આવતા પાડોશીની મદદ લીધી હતી. પાડોશીઓ ટૂ-વ્હીલર ઉપર દિશાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.દિશાની સારવાર ચાલી રહી હતી તે દરમિયાનમાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. દિશાએ જે તલ ખાધા હતા તેમાં અનાજ ના બગડે તેની દવા નાખી હતી. ઝેરી દવાની ગંભીર અસર દિશાને થતાં તેનું મોત નીપજ્યું છે. ઘાટલોડિયા પોલીસે દિશાના મોત મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version