Site icon Revoi.in

જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે ગિરનાર રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ

Social Share

જૂનાગઢઃ સોરઠ પંથકમાં આજે વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે રવિવારે પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું છે. રોપવે બંધ કરાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન રોપવેના સંચાલકોએ જણાવ્યું હતું કે,  રોપ-વેની કેબિનનું સંચાલન ભારે પવનની સ્થિતિમાં અત્યંત જોખમી બની શકે છે. એવામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેથી તેને ટાળવા માટે વહીવટી તંત્રના સમર્થનથી રોપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  રોપ-વેના સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, પવનની ગતિમાં ઘટાડો થયા બાદ અને વાતાવરણ સામાન્ય બન્યા પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

ગરવા ગિરનાર પર રોપ-વે સેવા બંધ થવાને કારણે મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને જેઓએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. રોપવે સેવા બંધ કરાતા યાત્રાળુઓ પગથિયાં ચઢીને જ ગિરનારની ટોચ પર જઈ રહ્યા છે. જેના કારણે વૃદ્ધો અને શારીરિક રીતે અસમર્થ મુસાફરોને વધુ મુશ્કેલી પડી રહી છે. હાલ, તંત્ર તરફથી પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષાની બાબતમાં બાંધછોડ ન કરે અને પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જુએ. રોપ-વે ઓથોરિટી સમયાંતરે પવનની ગતિ પર નજર રાખી રહી છે અને સ્થિતિ સુધરતાં જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

Exit mobile version