Site icon Revoi.in

ગિરનારની લીલી પરિક્રમા આખરે સ્થગિત કરાઈ, માવઠાથી પરિક્રમાના માર્ગો ધોવાઈ ગયા

Social Share

 જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. કારતક સુદ અગિયારસને 2જી નવેમ્બરને રવિવારથી શરૂ થનારી લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે. વરસાદને લીધે પરિક્રમાનો 36 કીમીનો માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. પરિક્રમાના માર્ગ પર કાદવ-કીચડને લીધે પદયાત્રા કરવી શક્યા નથી. તેથી વહિવટી તંત્ર અને સાધુ-સંતોની મળેલી બેઠકમાં પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે,

ગીર પંથકમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પડેલા કમોસમી વરસાદે ગિરનારની પરિક્રમાના આયોજન પર મોટું સંકટ ઊભું કર્યું હતું. વરસાદના કારણે 36 કિમીનો પરિક્રમા રૂટ ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તાઓ પર અતિશય કીચડ જામી જતાં પરિક્રમાને માર્ગ જોખમી બન્યો છે.

ગિરનારની લીલી પરિક્રમામાં ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ જોવા મળતો હોય છે. દર વર્ષે પરિક્રમા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોઈ, તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાઈ જતાં અનેક જગ્યાએ રસ્તાઓ જોખમી બન્યા છે. વન વિભાગના અધિકારીના મતે ભારે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ જતાં અંદર ભારે વાહનો જઈ શકે એમ નથી. જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે અને એને બહાર કાઢવા મુશ્કેલ થશે. પરિક્રમા શરૂ થાય એ પહેલા અન્નક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે, પરંતુ તંત્ર તરફથી તેમને લીલી ઝંડી મળી નહોતી.

દર વર્ષે કારતક સુદ એકાદશી (દેવઉઠી એકાદશી)થી શરૂ થઈને કારતક પૂર્ણિમા (દેવ દિવાળી)ના દિવસે આ પરિક્રમા પૂર્ણ થાય છે. આ યાત્રા પાંચ દિવસ ચાલે છે.ગીર જંગલનો આ માર્ગ વન વિભાગ દ્વારા વર્ષમાં આ 5થી 7 દિવસ માટે જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાય છે. આ પરિક્રમા લગભગ 36 કિલોમીટર લાંબી હોય છે. જે પગપાળા પૂર્ણ કરવાની હોય છે. પરિક્રમાની શરૂઆત જૂનાગઢના ભવનાથ મંદિરથી થાય છે. આ યાત્રામાં ત્રણ મુખ્ય મુશ્કેલ ચઢાણ આવે છે, જેને ‘ઘોડી’ કહેવામાં આવે છે જેમાં ઇટવા ઘોડી, માળવેલા ઘોડી, નળપાણી ઘોડી.

Exit mobile version