વૈશ્વિક ઉર્જા સંકટના એંધાણ: ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર, હોર્મુઝની ખાડીમાં નાકાબંધી
નવી દિલ્હી, 13 એપ્રિલ 2026: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી નિર્ણાયક શાંતિ વાર્તા કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ છે. આ કૂટનીતિક નિષ્ફળતાની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર પર પડી છે, જેના કારણે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે અમેરિકાએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા ‘હોર્મુઝ જલડમરુમધ્ય’માં ઈરાની બંદરોની નાકાબંધી કરવાની જાહેરાત કરી દીધી છે.
ઇસ્લામાબાદમાં સમજૂતીની આશા ઠગારી નીવડતા વૈશ્વિક બજારમાં ગભરાટ ફેલાયો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 8.36 ટકા વધીને 103.16 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તે જ રીતે, અમેરિકન ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ 8.22 ટકા વધીને 104.57 ડોલર થઈ ગયું છે. માત્ર તેલ જ નહીં, યુરોપિયન ગેસના ભાવમાં પણ 18 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે, જે આગામી સમયમાં વિશ્વભરમાં મોંઘવારીમાં વધારો કરી શકે છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડએ જાહેર કર્યું છે કે, સોમવારથી હોર્મુઝ વિસ્તારમાં ઈરાની બંદરો સાથે વેપાર કરતા જહાજો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે અન્ય દેશોના જહાજો જે ઈરાન સાથે સંકળાયેલા નથી, તેમને પસાર થવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ સાંકડા દરિયાઈ માર્ગે પસાર થાય છે, જે હવે યુદ્ધના જોખમ હેઠળ છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ‘એક્સ’ પર રોષ ઠાલવતા કહ્યું કે, “અમે શાંતિ માટે સંપૂર્ણ પ્રામાણિકતાથી વાર્તા કરી હતી અને અમે ‘ઇસ્લામાબાદ MOU’ પર હસ્તાક્ષરની ખૂબ નજીક હતા, પરંતુ છેલ્લી ઘડીએ અમેરિકાએ નવી શરતો લાદી દીધી.” બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય હેતુ ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે તેની લેખિત ખાતરી મેળવવાનો હતો, જેમાં ઈરાન નિષ્ફળ રહ્યું છે.”
દરમિયાન ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ચેતવણી આપી છે કે હોર્મુઝ જલડમરુમધ્ય તેમના નિયંત્રણમાં છે અને જો કોઈ પણ લશ્કરી જહાજ હિલચાલ કરશે તો તેનો ‘કરારો જવાબ’ આપવામાં આવશે. 22 એપ્રિલના રોજ સીઝફાયરની સમયમર્યાદા પૂરી થઈ રહી છે, ત્યારબાદ આ વિસ્તારમાં મોટા સૈન્ય સંઘર્ષની આશંકા સેવાઈ રહી છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: ઠાણેમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે અકસ્માત, 9 ના મોત


