
કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર, જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કેરીના રસીયાઓ ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોવે છે. હવે તેમની આતુરતાનો અંત આવી ચુક્યો છે. જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. જો કે, કેરીનો ભાવ સાંભળીને કેરીના રસિયાઓને કેરીનો સ્વાદ ફિકો લાગી શકે છે. 10 કિલો કેરીના બોક્સનો ભવ રૂ. એક હજારથી લઈને 1700 સુધી બોલાઈ રહ્યો છે. આગામી દિવસોમાં કેરીના ભાવમાં ઘટાડો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેસર કેરી લોકો વધારે પસંદ કરે છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન થાય છે. હાલ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ડુંગરપુર વિસ્તારની કેસર કેરીનું આગમન થયું છે. હાલ દરરોજ લગભગ 30થી 40 બોક્સની આવક થઈ રહી છે. આગામી દિવસોમાં સાસણ, તાલાલા, મેંદરડા,ઉના, વંથલી સહિતના વિસ્તારોમાંથી કેસર કેરીની આવક શરૂ થશે. આગામી દિવસોમાં બજારમાં કેસર કેરી સહિત બાદામ, હાફુજ, લંગડો કેરીનું પણ આગમન થશે. હાલ માર્કેટમાં કેરીનો ભાવ ઉંચો છે. જો કે, આગામી દિવસોમાં કેરીની બમ્પર આવક થતા ભાવમાં ઘટાડો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. નોંધનીય છે કે, આ વખતે કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે આગોતરો માલ બગડી ગયો છે. પાછોતરો માલ સારો આવવાની સંભાવના છે. હાલ ઓછી આવકના કારણે ભાવ ઉંચા છે. ઓછા ઉત્પાદનના કારણે દર વર્ષ કરતા આ વર્ષે ભાવ થોડા ઉંચા રહેવાની સંભાવના છે.