Site icon Revoi.in

અમદાવાદમાં વિમાન દૂર્ઘટના સ્થળે સ્મારક બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય

Social Share

અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુને પ્લેન દૂર્ઘટનામાં 241 પ્રવાસીઓ તેમજ જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં અન્ય લોકોના મોત નિપજ્યા હતા. આ કમનસિબ દૂર્ઘટનાએ સૌને હચમચાવી મુક્યા હતા. રાજ્યભરમાં મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાથના સભાઓ યોજાઈ રહી છે. ગુજરાત સરકારે પણ પ્લેન ક્રેશ થયું તે સ્થળે સ્મૃતિવન જેવું સ્મારક બનાવવાનો સૈધ્ધાંતિક નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેરમાં વિમાન દૂર્ઘટનાના બનાવ બાદ રાજય સરકારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળે સ્મારક ઉભુ કરવાનો સૈધ્ધાંતિક નિર્ણય લીધો છે. આ વિમાન ક્રેશની ઘટનામાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 242 માંથી 241 પ્રવાસીઓ તથા જમીન પર 33 લોકોના મોત થયા હતા. હજી કાટમાળ ફંફોળવા સાથે તપાસ ચલાવવામાં આવી જ રહી છે. વિમાની દુર્ઘટનાને એક સપ્તાહનો સમય થઈ ગયો છે. સુરક્ષા સહીતની અનેક એજન્સીઓ હાલ દુર્ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.પુરાવા અને માલસામાન એકત્ર કરવામાં આવી રહ્યા છે. તપાસ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા બાદ વિમાન જે સ્થળે ક્રેશ થયુ હતું. તે ભાગ-ઈમારતનું ડીમોલીશન કરાશે અને તે સ્થળે જ સ્મારક બનાવવાની યોજના વિચારણામાં છે.

સુત્રોના કહેવા મુજબ એર ઈન્ડીયાનું AI 171 વિમાન એરપોર્ટ સંકુલની બહાર બીજે મેડિકલ કેમ્પસમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટેના મેસ બિલ્ડિંગ પર તૂટી પડયુ હતું તે ઈમારતનું ડીમોલીશન કરીને ત્યાં સ્મારક બનાવવામાં આવશે. હોસ્ટેલની ઈમારત માટે અન્યત્ર જગ્યા ફાળવવામાં આવશે. ભયાનક અને આઘાતજનક દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની યાદગીરી તથા તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરવાના ઈરાદે આ સ્મારક બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે. વિમાન જયાં તૂટી પડયુ તે મેસ બિલ્ડિંગને બહુ મોટુ નુકશાન થયુ નથી. છતાં તે નબળુ પડી ગયાનું અને આંતરીક માળખાને નુકશાન હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં રહેતા મેડીકલ વિદ્યાર્થીઓની મનોસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવી છે.

રાજયનાં આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત સર્વે કરીને હોસ્ટેલ ઈમારત માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. બીજે મેડીકલ કોલેજનાં કેમ્પસમાં જ નવી હોસ્ટેલનું નિર્માણ કરવાનો પણ વિકલ્પ છે. સુચિત સ્થળ વિશે સુત્રોએ કહ્યું કે સ્મારક સ્થળે ખાસ ગાર્ડન તૈયાર કરાશે જયાં આવીને મુલાકાતીઓ શ્રધ્ધાંજલી અર્પણ કરી શકશે. અત્યારે તો દુર્ઘટના સંબંધી જુદી જુદી કામગીરી ચાલતી હોવાથી વિગતવાર પ્રોજેકટ પછી તૈયાર કરાશે. ભુજના સ્મૃતિવન જેવુ સ્મારક હોય શકે છે.