Site icon Revoi.in

ગુજરાતમાં કાલે શનિવારથી 4 દિવસ સરકારી કર્મચારીઓમાં રહેશે રજાનો માહોલ

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે કાલ તા.11મી જાન્યુઆરીથી ચાર દિવસ રજાનો માહોલ રહેશે. એટલે કે કાલે શનિવારે બીજો શનિવાર હોવાથી રજા રહેશે, રવિવારે જાહેર રજા રહેશે. અને સોમવારે એક દિવસની કર્મચારીઓ રજા લે તો સળંગ ચાર દિવસ સળંગ રજા ભોગવવા મળશે. કારણ કે મંગળવારે ઉત્તરાણની જાહેર રજા છે.

ગુજરાત સરકારી કર્મચારીઓ માટે એક સાથે ચાર રજાઓનો મેળ થાય તેવો યોગ થયો છે.આવતા સોમવારની એક રજા મૂકવાથી શનિવારથી છેક મંગળવાર સુધી કુલ ચાર રજાઓ સરકારી કર્મચારીઓને મળી શકે તેમ છે. શનિવારને 11મી તારીખે બીજો શનિવાર હોવાને કારણે કચેરીઓમાં રજા છે અને 12મી તારીખને રવિવાર આવે છે. ઉપરાંત 14 મી તારીખ ને મંગળવારે ઉતરાયણની જાહેર રજા છે.આ રીતે 13મી તારીખ ને સોમવારે એક રજા મૂકી દેવાથી એક સાથે ચાર રજાઓ સરકારી કર્મચારીઓ ભોગવી શકે તે રીતનો રજાઓનો મેળ થયો છે. આ રીતની રજાનો મેળ થતા સરકારી કર્મચારીઓ માટે અને તેમના કુટુંબ પરિવાર માટે હરવા ફરવાના આયોજનો થઈ શકે તેમ છે. જોકે સોમવારે અરજદારો માટે કચેરીએ રજાના માહોલ કારણે ધરમ ધક્કાનો પ્રશ્ન ઉભો થાય તેવી પણ શક્યતા છે. 15 મી જાન્યુઆરીને બુધવારે પણ વાસી ઉતરાયણની રજા મળે તે માટે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે તે ઉપરાંત 13મી તારીખને સોમવારે બપોરને બદલે સવારની શાળા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.જેથી બાળકો ઉતરાયણનો તહેવાર સારી રીતે માણી શકે.