- ગિફ્ટ સિટીમાં કોગનીઝન્ટ-ઈન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો CMએ શુભારંભ કરાવ્યો
- વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત નોલેજ બેઝ્ડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ
- ભારતને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં ગુજરાત લીડ લઈ રહ્યું છે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને નોલેજ બેઝ્ડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગિફ્ટ સિટીમાં કોગનીઝન્ટ-ઈન્ડિયા કંપનીના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન પાઠવી એમના સંબોધનની શરૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરની સફળતામાં, આધુનિક ટેકનોલોજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં તમામ ક્ષેત્રે ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડીયા મિશનના પરિણામે પાછલા એક દશકમાં દેશમાં ટેક્નોલોજીની પરિભાષા બદલાઈ છે અને ટેકનોલોજી સામાન્ય માનવીના આંગળીના ટેરવે પહોંચી છે.
કોગનીઝન્ટ કંપનીના ગુજરાતમાં આગમનને આવકારતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનના દિશાદર્શનમાં ઊભરતા ક્ષેત્રો અને ઊભરતી ટેક્નોલોજી માટે ગુજરાતમાં પ્રોત્સાહક વાતાવરણ સર્જાયું છે.
તેમણે ઉમેર્યું કે ભારત પાસે વિશ્વનો સોથી અફોર્ડેબલ ઇન્ટલેક્ચુઅલ મેનપાવર છે. વડાપ્રધાનના નેતૃત્વમાં એ.આઇ અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટીકલ ટેકનોલોજી પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનના વિઝન અને મિશનમાં અગ્રેસર રહેવાનો ગુજરાતનો ટ્રેક રેકોર્ડ છે. ભારતને વિશ્વના સોફ્ટપાવર લીડર અને નોલેજ બેઝ્ડ ઇકોનોમી બેય ક્ષેત્રોમાં અગ્રેસર બનાવવામાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યાં છે. રાજ્યમાં એ.આઇ. આધારિત ઈકોસિસ્ટમ ઊભી થાય અને એ.આઇ.આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
તેમણે ઉમેર્યું કે ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન્સ માટે, નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવવાનું એક સુદ્રઢ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. રાજ્યમાં ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી પણ જાહેર કરી છે. વિશ્વની મોટી કંપનીઓ આ પોલિસીનો લાભ લઈને ગુજરાતમાં પોતાના ઓપરેશન કાર્યરત કરવા માટે ઉત્સુકતા દર્શાવી રહી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં ગિફ્ટ સિટી શરૂ થઈ છે અને અહીં અનેક ગ્લોબલ કંપનીઝની ફેસિલીટીઝ આવતા ગુજરાત ગ્લોબલ લીડરની ભૂમિકામાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં એક પ્રકારે ટેલેન્ટે, ટેકનોલોજી અને ઇનોવેશનની સુદ્રઢ ઇકો સિસ્ટમ ઊભી થઈ છે. આ અવસરે વિજ્ઞાન અને પ્રાદ્યૌગિક વિભાગનાં અગ્ર સચિવ મોના ખંધાર તથા કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.