Site icon Revoi.in

રાજ્યપાલે માણેકપુર ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતર પર હળ ચલાવ્યું

Social Share

ગાંધીનગરઃ  તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત  રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ખેતર પર જઈને સ્વયં હળ ચલાવ્યું અને જમીનની ઉપજાઉ શક્તિ વધારવાના સ્વાનુભવી ઉપાયો ખેડૂતોને જણાવ્યા હતા. આ તકે રાજયપાલએ ખેતરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય આધારિત ખેતી જ જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.

રાજ્યપાલએ ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ એક આંદોલન રૂપ ધારણ કરી રહી છે, જેમાં હજારો ખેડૂત જોડાઈને ધરતીમાતાને ફરી ઉપજાઉ બનાવી રહ્યા છે.

આ પ્રસંગે રાજ્યપાલએ ખેતર પર ઉપયોગમાં લેવાતા જીવામૃત, ઘનજીવામૃત, અને ગૌઆધારિત બાયો ઇનપુટ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉપજ સાથે સ્વસ્થ અને ટકાઉ જીવનશૈલી પ્રાપ્ત થઈ શકે છે જે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત,વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરે છે. રાજયપાલએ આ મુલાકાત દરમિયાન બળદ ગાડું ચલાવ્યું હતું.