
સરકારે યુનિફોર્મ સિવિલ કોડ પર રિજિજુના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના કરી,ઉત્તરાખંડમાં સૌથી પહેલા લાગુ થશે
દિલ્હી:દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની દિશામાં એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે મંત્રીઓના જૂથ (GoM)ની રચના કરી છે. તેની અધ્યક્ષતા પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુને સોંપવામાં આવી છે. આ દરમિયાન યુસીસી પર ઉત્તરાખંડ સરકાર દ્વારા રચાયેલી ન્યાયમૂર્તિ રંજના દેસાઈ સમિતિનો ડ્રાફ્ટ તૈયાર છે. એવા સંકેતો મળી રહ્યા છે કે ઉત્તરાખંડ સરકાર યુસીસીનો અમલ કરનાર પ્રથમ હશે. આ પછી તેને ગુજરાત અને મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી અને કાયદા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલને તેના સભ્ય બનાવવામાં આવ્યા છે. ચાર મંત્રીઓ યુસીસી અને આદિવાસી, મહિલા અધિકારો, પૂર્વોત્તર અને કાયદાકીય બાબતોથી સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. બુધવારે મંત્રીઓના જૂથની બેઠક થઈ ચૂકી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ ભાજપના મેનિફેસ્ટોનો એક ભાગ છે. આ અંગેની પ્રક્રિયા દેશમાં ચાલી રહી છે. લોકોએ પરિણામની રાહ જોવી જોઈએ.
મુસ્લિમ સંગઠનોના જોરદાર વિરોધ છતાં કેન્દ્ર સરકારે યુનિફોર્મ સિવિલ કોડ પર કોઈ પીછેહઠ ન કરવાનો સંકેત આપ્યો છે. મોદી સરકારે મંત્રીઓના જૂથની રચના કરીને પોતાનો ઈરાદો વધુ સ્પષ્ટ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભોપાલ પ્રવાસ દરમિયાન સમાન નાગરિક સંહિતા અંગેના નિવેદન બાદ આ દિશામાં સક્રિયતા વધી છે.