અમદાવાદ, જાન્યુઆરી 2026: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પ્રલિમ પરીક્ષાની તારીખો જાહેર થતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને રાહત થઈ છે.
GPSC દ્વારા કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રીલિમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી, ટેક્નિકલ તેમજ શિક્ષણ અને વિશેષ સેવાઓનાં પદોનો સમાવેશ થાય છે. તારીખો જાહેર થતાં જ પરીક્ષાની તૈયારીમાં લાગેલા ઉમેદવારો રાહતની લાગણી અનુભવી રહ્યા છે.
જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા શિડ્યૂલ મુજબ વહીવટી અને સચિવાલય સેવાઓમાં રહસ્ય સચિવ (ક્લાસ-2), મદદનીશ વહીવટી અધિકારી (ક્લાસ-2) જેવા પદો માટે પરીક્ષા લેવામાં આવશે. ઉપરાંત ટેક્નિકલ અને વિશેષ સેવાઓ હેઠળ MIS મેનેજર (ક્લાસ-1 અને 2), પશુચિકિત્સા અધિકારી (ક્લાસ-2), મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી સહિત મહત્ત્વનાં પદોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શિક્ષણ અને અન્ય સેવાઓમાં ગુજરાત શિક્ષણ સેવા, નિયામક ગ્રંથપાલ, નાયબ માહિતી નિયામક તેમજ મદદનીશ ઉદ્યોગ કમિશનર માટે પણ પ્રાથમિક કસોટી યોજાશે. આ સિવાય ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા અને સામાન્ય રાજ્ય સેવામાં વહીવટી અધિકારી (ક્લાસ-2) માટેની પરીક્ષાઓ પણ આ સમયગાળા દરમિયાન લેવામાં આવશે.
GPSCના ચેરમેન દ્વારા જણાવાયું છે કે વિવિધ વિભાગો સાથે પરામર્શની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ષ 2026નું સંપૂર્ણ ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. આયોગે ઉમેદવારોને સલાહ આપી છે કે પરીક્ષા કેન્દ્ર, સમય અને અન્ય વિગતવાર સૂચનાઓ માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત રીતે અપડેટ્સ તપાસતાં રહે તેવી વિનંતી કરી છે.

