Site icon Revoi.in

શાળાઓની ગ્રાન્ટમાં 17 વર્ષથી વધારો કરાયો નથી, હવે તો સમજો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે દિવાળી વેકેશન ખૂલે તે પહેલા જ ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો ઉકેલવા સંચાલકોએ માગણી કરી છે. જેમાં ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટના સ્લેબમાં છેલ્લા 17 વર્ષથી વધારો કરાયો નથી. તેથી ગ્રાન્ટના સ્લેબમાં વધારો કરવા તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્માચારીઓના સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવાની પત્ર લખીને માગણી કરવામાં આવી છે.

ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલના ગ્રાન્ટ, નિભાવ ગ્રાન્ટ, એફઆરસી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સહિતના અનેક પડતર પ્રશ્નો છે. જેને લઈને શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને પત્ર લખીને દિવાળી વેક્શન પૂરું થાય ત્યાં સુધી આ તમામ માગ પૂરી કરવા રજૂઆત કરી છે. દિવાળી બાદ આ બધી માગ પૂરી થાય તો શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલી શકે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે એવી રજુઆત કરી છે કે,  રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગ્રાન્ટની ચૂકવણી બાકી છે. દિવાળીનો તહેવાર હોવાથી હવે ગ્રાન્ટ મળવી મુશ્કેલ હતી. જેથી તાત્કાલિક ગ્રાન્ટ આપવી જોઈએ. રાજ્યની સ્કૂલોમાં આપવામાં આવતી ગ્રાન્ટના સ્લેબમાં 17 વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી. મોઘવારી વધી પરંતુ ગ્રાન્ટના સ્લેબ હજુ વધ્યા નથી. જેથી ગ્રાન્ટનો સ્લેબ વધારવો જોઈએ.

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના કહેવા મુજબ ​​​​​​​રાજ્યની ખાનગી સ્કૂલોમાં 2017થી FRC દ્વારા ફીનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે. 7 ટકા દર વર્ષે ફીમાં વધારો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટડ સ્કૂલમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના પગાર અને તેઓની આર્થિક રીતે મળતા તમામ લાભ આપવામાં આવ્યા નથી. જે તાત્કાલિક અસરથી આપવામાં આવે. 280 જેટલા કર્મચારીઓની ફાઈલ પ્રમોશન વિના પડી છે તે તમામને પ્રમોશન આપવામાં આવે. દિવાળી વેકેશન પૂર્ણ થતાં સુધીમાં તમામ માગ પૂરી કરવામાં આવે તો વેકેશન પૂર્ણ થતાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલી શકશે.

Exit mobile version