- ફુડ-રેસ્ટોરન્ટના 16 વેપારીઓના 25 સ્થળોએ જીએસટીના અધિકારીઓએ સર્ચ કર્યુ,
- 52 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં,
- અધિકારીઓએ ગ્રાહક બનીને ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી કરી,
અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીના પર્વને લીધે મોડી રાત સુધી ફુડ રેસ્ટોરન્ટ્સ ચાલી રહી છે. ફુડ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની માહિતી મળતા જીએસટીના અધિકારીઓએ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ ખાતે ફૂડ-રેસ્ટોરન્ટના ધંધા સાથે સંકળાયેલાં 16 વેપારીને ત્યાં 25 જેટલાં સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 52.07 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યાં હતાં. આ સાથે જ GST વિભાગે 4.88 કરોડની કરચોરી પણ પકડી પાડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં મહાનગરોમાં ફુડ-રેસ્ટોરન્ટના ધંધાર્થીઓ દ્વારા કરચોરી કરવામાં આવી રહ્યાની માહિતી મળતા જીએસટીના અધિકારીઓએ ફૂડ-રેસ્ટોરન્ટના ધંધા સાથે સંકળાયેલાં કરદાતા દ્વારા કરચોરીના ઉદ્દેશથી કેવા પ્રકારની રીત તરકીક અપનાવવામાં આવે છે, તેની ચકાસણી કરવા ગ્રાહકના સ્વાંગમાં વેપારીઓના ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી હાથ ધરી હતી. જેમાં કરચોરી માટે અપનાવવામાં આવતી વિવિધ પ્રકારની મોડેસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી. જેમાં પેમેન્ટ ડાયવર્ટ કરવા માટે એકથી વધુ ક્યૂઆર કોડનો ઉપયોગ, કાચી ચિઠ્ઠી દ્વારા વ્યવહારો, ઇન્વોઇસ વિના વેચાણ કરવું અને કંપોઝિશન સ્ક્રીમનો દુરપયોગ કરીને વાસ્તવિક ટર્નઓવર 1.50 કરોડથી ઓછું દર્શાવી કંપોઝિશન સ્કીમનો ખોટી રીતે લાભ લેતાં હતા. આ ગેરરીતિથી સ્પષ્ટ થાય છે કે કરદાતાઓ વાસ્તવિક વેચાણ ઓછું દર્શાવીને કાયદેસરની વેરાકીય જવાબદારી ટાળતાં હતા. અત્યારસુધીની તપાસમાં 52.07 કરોડના બિન હિસાબી વ્યવહારો પર વ્યાજ અને દંડ સહિત કુલ રકમ 4.88 કરોડથી વધુની કરચોરી મળી આવી છે. વિભાગ દ્વારા વસૂલાત અને રાજયની આવકના સંરક્ષણ માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, જીએસટી કાયદા હેઠળ કોંપોઝીશન સ્કીમનો દુરપયોગ કરવાનો તેમજ ટર્નઓવર છૂપાવવા માટે છેંતરપિંડી કરવાનો કોઇપણ પ્રયત્ન કરશે તેની સામે જીએસટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં સરકારી આવકની સુરક્ષા કરવા, વ્યાપાર માટે ન્યાયપૂર્ણ વાતાવરણ સર્જવા માટે વિભાગ સંપૂર્ણ પ્રતિબધ્ધ છે અને કરચોરીને શોધવા અને રોકવા માટે કાર્યવાહી વધુ મજબૂત બનાવવાની કામગીરી ચાલુ રાખશે.