ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આગામી 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. અને 17મી ફેબ્રુઆરીએ 2026-27ના વર્ષનું બજેટ ગૃહમાં નાણા મંત્રી દ્વારા રજુ કરવામાં આવશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8માં સત્રનું આહ્વાન કર્યુ હતું. દરમિયાન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અગે ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, જે 25 માર્ચ સુધી ચાલશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવશે. સત્ર દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. આગામી બજેટમાં મહત્ત્વના કાયદાકીય ફેરફારો થવાની પણ શક્યતાઓ છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તા.17મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2026-27નું બજેટ ગૃહમાં રજુ કરશે. 8માં સત્ર દરમિયાન ગૃહના કામકાજના દિવસો 23 દિવસ રહેશે. અને કૂલ 26 બેઠકોનું આયોજન કરાયુ છે. ગૃહમાં નવા વિધેયકો મંજુરી માટે મુકાશે. સરકાર દ્વારા સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે. જેમાં સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન ‘યુનિફોર્મ સિવિલ કોડ’ સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.
કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

