Site icon Revoi.in

ગુજરાત બોર્ડની ધો. 10અને 12ની પરીક્ષાની સાથે ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કરી દેવાશે

Social Share

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ધોરણ 10 અને 12 પરીક્ષાના પરિણામો પણ સમયસર આપી શકાય તે માટે પરીક્ષાના બીજા દિવસથી ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્ય પણ શરૂ કરી દેવામાં આવશે, તેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા 73,000 શિક્ષકની વિશાળ ફોજ તે જ સમયે ઉત્તરવહીઓના સચોટ મૂલ્યાંકનની ‘કસોટી’માં જોડાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વ્યૂહાત્મક ‘એક્શન પ્લાન’ તૈયાર કરાયો છે. સામાન્ય રીતે પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન પ્રક્રિયાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે બોર્ડે પરંપરાગત ચીલાને બદલે ‘પરીક્ષા સાથે જ પરિણામની તૈયારી’નો નવો મંત્ર અપનાવ્યો છે. એક તરફ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપર લખતા હશે, તો બીજી તરફ બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા 73,000 શિક્ષકની વિશાળ ફોજ તે જ સમયે ઉત્તરવહીઓના સચોટ મૂલ્યાંકનની ‘કસોટી’માં જોડાશે. આ વખતે બોર્ડની રણનીતિ સ્પષ્ટ છે, પરીક્ષા ચાલુ હશે ત્યારે જ મૂલ્યાંકન કાર્ય પણ શરૂ કરી દેવું, જેથી રિઝલ્ટમાં રેકોર્ડબ્રેક ઝડપ લાવી શકાય.

26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાનારી આ પરીક્ષાના પ્રારંભિક દિવસોમાં જ જે વિષયોની કસોટી પૂર્ણ થશે, તેની ઉત્તરવહીઓ તુરંત જ નિયત કરાયેલા 470થી વધુ કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે. આ રીતે પરીક્ષા અને પેપર ચેકિંગની પ્રક્રિયા સમાંતર ચાલશે, જે ગુજરાત શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં એક મોટો વહીવટી સુધારો ગણી શકાય. બોર્ડ દ્વારા આ વખતે વહીવટી પ્રક્રિયા એટલી ઝડપી બનાવવામાં આવી છે કે, વિદ્યાર્થીઓની હોલટિકિટ ઇસ્યૂ કરવાની સાથે જ મૂલ્યાંકન કરનારા હજારો શિક્ષકોના ઓર્ડર પણ ઓનલાઇન રવાના કરી દેવાયા છે.

 શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, વહેલા પરિણામ આપવાથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયામાં ખૂબ મોટી રાહત મળશે. આ માત્ર પેપર ચેકિંગ નથી, પણ હજારો શિક્ષકો માટે સમયમર્યાદામાં સચોટ મૂલ્યાંકન કરવાની એક મોટી નૈતિક અને વ્યવસાયિક કસોટી પણ છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સમય બચાવવાનો નથી, પરંતુ ટેક્નોલોજી અને માનવબળના સુમેળ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા બિનજરૂરી વિલંબને શૂન્ય પર લાવી દેવાનો છે.

Exit mobile version