1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ રામસર સાઈટ્સ ખાતે તા. 4 થી 10 ઑક્ટોબર દરમિયાન “આયકૉનિક વીક”ની ઊજવણી
ગુજરાતઃ રામસર સાઈટ્સ ખાતે તા. 4 થી 10 ઑક્ટોબર દરમિયાન “આયકૉનિક વીક”ની ઊજવણી

ગુજરાતઃ રામસર સાઈટ્સ ખાતે તા. 4 થી 10 ઑક્ટોબર દરમિયાન “આયકૉનિક વીક”ની ઊજવણી

0
Social Share

અમદાવાદઃ સમગ્ર રાષ્ટ્ર આઝાદી મળ્યાના 75 વર્ષની ઊજવણી “આઝાદી કા અમૃત મહોત્સવ” તરીકે કરી રહ્યું છે. આ મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના વેટલૅન્ડ વિભાગ દ્વારા સમગ્ર દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12 માર્ચથી 22 ઑગસ્ટ 2022 સુધીના 75 અઠવાડિયાના સમયગાળામાં જળપ્લાવિત વિસ્તારો તથા તેમના સંરક્ષણ વિશે જાગૃતિ અને સંવેદનશીલતા લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ 75 અઠવાડિયા પૈકી, તા. 7 થી 10 ઑક્ટોબર દરમિયાનના સમયગાળાને કેન્દ્ર સરકાર દ્વારા “આયકૉનિક વીક” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નિદર્શન હેઠળ દેશની કુલ 46 રામસર સાઈટ્સ અને કેટલાંક રામસર સાઈટ્સ બનાવાની શક્યતાઓ ધરાવતા જળપ્લાવિત વિસ્તારો ખાતે વેટલૅન્ડ્સને લગતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ ઊજવણી જે તે રાજ્યોના વન વિભાગો, વન અને પર્યાવરણ વિભાગો, સ્ટેટ વેટલૅન્ડ ઑથોરિટીઝ તથા દેશના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની જ્ઞાન-સહયોગી સંસ્થાઓની મદદથી થઈ રહી છે.

ગુજરાતમાં હાલમાં 3 રામસર સાઈટ્સ છે, જેમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ વન્યપ્રાણી અભયારણ્ય અને વઢવાણા તળાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખિજડીયા પક્ષી અભયારણ્ય એ “રામસર સાઈટ”નું બિરૂદ મળવાની શક્યતા ધરાવતો જળપ્લાવિત વિસ્તાર છે. આ ચાર જળપ્લાવિત વિસ્તારો ખાતે રાજ્યના વન વિભાગે “ગીર” ફાઉન્ડેશનની તકનીકી સહાયથી તથા ભારત સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નિર્દેશિત સૂચનાઓ અનુસાર “આયકૉનિક વીક”ના પ્રથમ દિવસે કાર્યક્રમો યોજાયા હતા. વન વિભાગ દ્વારા આગામી તારીખ 10-10-2021 સુધીના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કર્યુ છે. આ ચાર જળપ્લાવિત વિસ્તારો પૈકીના પ્રત્યેક માટે 3 થી 4 “વેટલૅન્ડ ઍમ્બેસેડર સ્પીસિઝ”ની પસંદગી કરવામાં આવી છે. આ દરેક “ઍમ્બેસેડર” (દૂત‌) જાતિ, જે તે વેટલૅન્ડ (જળપ્લાવિત વિસ્તાર‌)ની આગવી ઓળખ છે, તેથી આ જાતિઓ જે તે વેટલૅન્ડના સંરક્ષણ માટે લોકોને એક દૂત તરીકે અપીલ કરે છે. દરેક વેટલૅન્ડ માટે સૂચવાયેલ ૩ થી ૪ ઍમ્બેસેડર જાતિમાંથી શ્રેષ્ઠ જાતિ સૂચવવા માટે નાગરિકોનાં મંતવ્યો પણ લેવામાં આવી રહ્યા છે.

આ ચાર જળપ્લાવિત વિસ્તારો ખાતે “સાઈનેજ બૉર્ડસ” લગાવવાની અગત્યની પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. આ કાર્ય “આઈકૉનિક” અઠવાડિયાના પ્રથમ દિવસે જ ચારેય વેટલૅન્ડ્સ ખાતે પૂરું કરવામાં આવ્યું છે. 5 ફૂટ × 3 ફૂટના પાટિયાઓ (બૉર્ડ‌) ઉપર જે તે વેટલૅન્ડનું મહત્વ અને તેની સામેના ભયો ઉપરાંત જે તે વેટલૅન્ડનું  ક્ષેત્રફળ, તેનો રામસર સાઈટ નંબર તથા અન્ય મહત્વની માહિતી પણ દર્શાવવામાં આવી છે.  પ્રત્યેક વેટલૅન્ડ માટે “વેટલૅન્ડ મિત્ર” જૂથની પણ રચના કરવામાં આવી છે. નળ સરોવર, થોળ, વઢવાણા અને ખિજડીયા – એમ પ્રત્યેક વેટલૅન્ડ માટે અલગ વેટલૅન્ડ મિત્રોની નોંધણી કરી તેમની પાસે જે તે વેટલૅન્ડનું સંરક્ષણ કરવામાં તંત્રને સહાય કરવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવે છે. “વેટલૅન્ડ મિત્ર” જૂથમાં એવા લોકોની પસંદગી કરવામાં આવી છે કે જેમણે અત્યાર સુધી વેટલૅન્ડના સંરક્ષણમાં રસ દર્શાવેલ હોય.

ઉજવણીના પ્રથમ દિવસે ગુજરાતની સર્વપ્રથમ રામસર સાઈટ “નળસરોવર પક્ષી અભયારણ્ય” ખાતે કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં જેમની જીવાદોરી નળ સરોવર છે તેવી “પઢાર” જાતિના લોકો, કેટલીક સ્વાયત્ત સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ વન વિભાગના અધિકારીઓ સહિત આશરે ૨૦૦ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આશરે ૧૦૦ જેટલા “વેટલૅન્ડ મિત્રો”ની નોંધણી કરવામાં આવી છે. આ વેટલૅન્ડ મિત્રોએ નળ સરોવરનું સંરક્ષણ થાય અને તેનો યોગ્ય ઉપયોગ થાય તેવી દેખરેખ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. માત્ર નળ સરોવર જ નહિ, પરંતુ થોળ, વઢવાણ અને ખિજડીયા જળપ્લાવિત વિસ્તારો ખાતે પણ આવી અગત્યની પ્રવૃત્તિઓનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે.

તા. 5થી 10 ઑક્ટોબર સુધી જે તે વેટલૅન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન ખાસ કરીને વેટલૅન્ડસને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, ક્વિઝ, ચર્ચા સ્પર્ધા‌ જેવી વિવિધ સ્પર્ધાઓ તદુપરાંત અન્ય કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિઓ જેમ કે “બર્ડ-ગાઈડ” તાલીમ, એક દિવસીય કાર્યશાળા, વેટલૅન્ડ ફિલ્મ દર્શાવવી વગેરેનું આયોજન કરવામાં આવ્યુ છે કે જેમાં જે તે વેટલૅન્ડની આસપાસની શાળાઓ તથા ગ્રામજનો ઉત્સાહસભર ભાગ લેશે.  આ ચાર વેટલૅન્ડસ ખાતે ઉજવણીના ભાગરૂપે કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ “ગીર” ફાઉન્ડેશનના નિયામક યુ.ડી.સિંઘ તથા જે તે વેટલૅન્ડ સાથે સંલગ્ન નાયબ વન અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code