Site icon Revoi.in

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીને લીધે બે ઋતુનો અનુભવ

Social Share

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:  શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. અને ઉનાળાના આગમનને વિધિવત રીતે એકાદ સપ્તાહ જેટલો સમય બાકી છે,  ત્યારે હાલ લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુને લીધે વાયરલ બિમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આમ મિક્સ સીઝન લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે.

ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. જેના કારણે  ઠંડી ગાયબ જ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે રાત્રીના સમયે ઠંડી અને દિવસે ગરમી અનુભવાઈ રહી છે.  હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ રાજ્યમાં બે-બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફરી મોટો પલટો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે પણ સરેરાશ 10 થી 1ર કિ.મી.ની ઝડપે ઠંડા પવન સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે 14મી ફેબ્રુઆરી સુધીમાં તાપમાનમાં કોઈ બદલાવ થવાની શક્યતા નથી. ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે અને વરસાદની પણ કોઈ સંભાવના નથી. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વાતાવરણમાં આવેલા સતત પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક બપોરે ગરમી અનુભવાઈ રહી છે. મિક્સ સીઝન હવે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે.   આજે સવારે ફરી એકવાર સૌથી નીચુ તાપમાન દિવમાં 14.6 ડિગ્રી નોંધાયુ હતું તેમજ રાજકોટમાં આજે સવારે 15.4, વેરાવળમાં 19.5, સુરતમાં 19.5, પોરબંદરમાં 16.9, ઓખામાં ર0.6 તથા નલિયા ખાતે 16.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત સવારે અમદાવાદમાં 18.6, અમરેલીમાં 15.2, વડોદરામાં 17.8, ભાવનગરમાં 18.5, ભુજમાં 16.6, ડિસામાં 17, દ્વારકામાં 18.પ તથા ગાંધીનગરમાં 18.2 અને કંડલામાં 18.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

 

Exit mobile version