1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વન વિભાગે મેન્ગ્રોવ પ્લાન્ટેશન દ્વારા કાર્બન ધિરાણમાં રુ. 2217 કરોડના ત્રણ MOU પર હસ્તાક્ષર કર્યા
ગુજરાત વન વિભાગે મેન્ગ્રોવ પ્લાન્ટેશન દ્વારા કાર્બન ધિરાણમાં  રુ. 2217 કરોડના ત્રણ MOU પર હસ્તાક્ષર કર્યા

ગુજરાત વન વિભાગે મેન્ગ્રોવ પ્લાન્ટેશન દ્વારા કાર્બન ધિરાણમાં રુ. 2217 કરોડના ત્રણ MOU પર હસ્તાક્ષર કર્યા

0
Social Share

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે જાહેરાત કરી કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ‘ટુવર્ડ્સ નેટ ઝીરો’ની થીમ પર એક સેમિનાર આયોજિત કરવામાં આવશે. આ સેમિનાર 12 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 10.00 થી બપોરે 1.00 વાગ્યા દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ-1માં યોજાશે.

તેમણે જણાવ્યું કે, આ સેમિનાર ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક મુદ્દા સામે લડત આપવાની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાથી પ્રેરિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં યોજાયેલી COP 26 કોન્ફરન્સમાં ગ્લોબલ ક્લાઇમેટ મીટમાં પાંચ અમૃત તત્વો એટલે કે પંચામૃત દ્વારા ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંકોને હાંસલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પંચામૃત એટલે, 2030 સુધીમાં ભારતની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા 500 ગીગાવોટ કરવી, 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાત રિન્યુએબલ એનર્જીમાંથી પૂર્ણ કરવી, અત્યારથી માંડીને 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરવો, 2005ના સ્તરથી 2030 સુધીમાં અર્થતંત્રની કાર્બન તીવ્રતા 45%થી નીચે લઇ જવી અને 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવું.

તેમણે જણાવ્યું હતું કે, “સેમિનારનો ઉદ્દેશ વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતાઓને નેટ ઝીરો, અર્થતંત્રના ડિકાર્બનાઇઝેશન અને કાર્બન ટ્રેડિંગ પર તેમના મંતવ્યો શેર કરવા માટે એક સાથે લાવવાનો છે.” “નેટ ઝીરોની દિશામાં આગળ વધવા માટે પ્રવર્તમાન ટેક્નોલોજીનું અપગ્રેડેશન, નવી ટેક્નોલોજીને અપનાવવી, નાણા અને રોકાણો, નીતિઓ અને સંસ્થાકીય સ્થાપનો, દૂરંદેશીપૂર્ણ શાસન, લોકોની ક્ષમતાનું નિર્માણ, અને આત્મવિશ્વાસના યોગ્ય મિશ્રણના ઉદ્દેશ્યથી વ્યૂહાત્મક હસ્તક્ષેપની આવશ્યકતા રહેશે.  

સેમિનારની વિગતો જણાવતા તેમણે કહ્યું કે “આ સેમિનારમાં એક ઉદ્ઘાટન સત્ર હશે, અને ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. નીતિ આયોગના મેમ્બર વી.કે. સારસ્વત, ONGCના ચેરમેન અને સીઇઓ અરૂણ કુમાર સિંઘ અને ફિનલેન્ડ એમ્બેસીના કાઉન્સેલર મહામહિમ કિમો સિરા જેવા મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.” તેમણે જણાવ્યું કે, ઉદ્ઘાટન સત્ર બાદ એક ફિલ્મનું સ્ક્રિનિંગ થશે અને ત્યારબાદ મુખ્ય અતિથિ ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા મુખ્ય સંબોધન કરવામાં આવશે. તે પછી, ‘અર્થતંત્રનું ડિકાર્બનાઇઝેશન’ અને ‘કાર્બન ટ્રેડિંગ’ પર અનુક્રમે બે પ્લેનરી સત્રો યોજાશે.

આ સત્રોની વિગતો આપતા તેઓએ જણાવ્યું કે, આ પ્લેનરી સત્રોમાં લીડર્સ અને એક્સપર્ટ્સ તેમના પડકારો, આગામી તકો, સાફલ્યગાથાઓ અને ભવિષ્યની દિશા અંગેના તેમના દ્રષ્ટિકોણને શેર કરશે. પ્રતિષ્ઠિત વક્તાઓ જેવા કે, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના વિવેક અઢિયા, પ્રિન્સટન યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રો. અનુ રામાસ્વામી, ટોરેન્ટ પાવર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જિનલ મહેતા, યુપીએલ લિમિટેડના ચેરમેન જય શ્રોફ, IIM મુંબઈના ડાયરેક્ટર પ્રો. એમ. કે. તિવારી, IIM અમદાવાદના પ્રો. અમિત ગર્ગ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સ્ટ્રેટેજિક ઇન્ટિગ્રેશનના લીડ સુશ્રી ઓલિવિયા ઝેડલર, CEEWના સીઇઓ ડૉ. અરૂણભા ઘોષ, GIZ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. અલેજાન્ડ્રો બર્ટ્રેબ, TERIના ડાયરેક્ટર ડનરલ ડૉ. વિભા ધવન, યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રો. માઇકલ ગ્રીનસ્ટોન, એન્કિંગ ઇન્ટરનેશનલ (કાર્બન ટ્રેડિંગ એક્સપર્ટ) ના CMD મનીષ ડબકારા અને જર્મની ખાતેની ગુડ કાર્બન કંપનીના સહ-સ્થાપક ડેવિડ ડિઆલો આ સત્રોમાં હિસ્સો લેશે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, “ગુજરાત વન વિભાગે સમુદાયોને સામેલ કરીને મેન્ગ્રોવ વૃક્ષોના વાવેતર દ્વારા કાર્બન ધિરાણ માટે ₹2217 કરોડના ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત, કાર્બન ધિરાણના ક્ષેત્રમાં કૃષિ-વનીકરણના માધ્યમથી પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, અમે વૃક્ષારોપણ, પ્રકૃતિ શિક્ષણ શિબિર, સંસાધન વ્યક્તિઓ અને વન્યજીવ બચાવના ક્ષેત્ર માટે નોલેજ શેરિંગના ક્ષેત્રમાં 50 થી વધુ એમઓયુ કર્યા છે. આ એમઓયુ ઉપરાંત, ગુજરાત ભીની જમીન (વેટલેન્ડ્સ)માં કાર્બન પૃથક્કરણ (સિક્વેસ્ટ્રેશન)ની સંભાવનાઓ અંગે પણ અન્વેષણ કરી રહ્યું છે, અને ગીર (GEER) ફાઉન્ડેશન દ્વારા ચાર રામસર સાઇટ્સ (નળ સરોવર, થોળ, ખીજડિયા અને વઢવાણા) પર કાર્બન અંગે અભ્યાસ હાથ ધરી રહ્યું છે.”

તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, “કાર્યક્રમમાં વૃક્ષારોપણ, જળ વ્યવસ્થાપન, ટકાઉ કૃષિ, કચરો વ્યવસ્થાપન, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, મેન્ગ્રોવ સંરક્ષણ અને પુનઃસ્થાપન, પર્યાવરણ-ચિહ્નિત વિકાસ તેમજ ટકાઉ મકાન અને માળખાકીય સુવિધાઓ માટે ગ્રીન ક્રેડિટની પરિકલ્પના કરવામાં આવી છે.”  તેમણે જણાવ્યું કે આ સેમિનાર શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, ઔદ્યોગિક સંગઠનો, બહુરાષ્ટ્રીય સંસ્થાઓ, રોકાણ અને બેંકિંગ સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs), વિદ્વાનો, સંશોધકો, સલાહકારો, બિન-સરકારી અને બિન-નફાકારક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અને સેમિનારમાં ઉપસ્થિત લોકો સાથે તેમના મૂલ્યવાન મંતવ્યોને શેર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code