Site icon Revoi.in

ગુજરાતઃ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 10 લાખથી વધારે ઝૂંપડાઓમાં મફત વીજ કનેક્શન પૂરા પાડ્યા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ રૂ. 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં; સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2025-26માં ઝૂંપડા વીજળીકરણ યોજના માટે રૂ. 1,617 લાખના ખર્ચની જોગવાઈ કરી છે. આ સાથે જ; યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે; તે માટે લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.50 લાખ સુધી કરવામાં આવી છે.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં વીજ પુરવઠાને લગતા જે સુધારાત્મક પગલાઓ ભર્યાં, તે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમની સરકાર પણ સુપુરે આગળ વધારી રહ્યાં છે. આ જ કારણ છે કે આજે રાજ્યમાં ઝૂંપડાઓમાં રહેનાર ગરીબોને મફત વીજળી કનેક્શન આપવાનું કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ઊર્જા તથા પેટ્રોરસાયણ વિભાગ આ ઝૂંપડા વીજળીકરણ યોજના વર્ષ 1996-97થી અમલમાં મૂકવામાં આવી છે. યોજનાનો ઉદ્દેશ ગરીબ ઝૂંપડાવાસીઓને મફત વીજ જોડાણ આપવાનો છે. યોજનાનું અમલીકરણ અગાઉ ગુજરાત વિદ્યુત બોર્ડ (જીઈબી) દ્વારા કરાતુ હતું, પરંતુ 2003માં તે વખતના મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજ ક્ષેત્રે સુધારાઓનો સિલસિલો શરૂ કર્યો અને જીઈબીની પુનર્રચના કરતાં ચાર વીજ વિતરણ કંપનીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીસીજીએલ), મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ), પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) તથા ઉત્તર ગુજરાત વીજ કંપની (યૂજીવીસીએલ)ની રચના કરી. ત્યારથી ઝૂંપડા વીજળીકરણ યોજનાનું અમલીકરણ આ ચાર વીજ વિતરણ કંપનીઓ કરી રહી છે.

ઊર્જા વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ ગરીબી રેખાથી નીચે જીવતાં (બીપીએલ) પરિવારો તથા બીપીએલ યાદીમાં સમાવિષ્ટ ન હોય; તેવા ગરીબોને પણ કોઈ પણ જાતના જાતિગત ભેદભાવ આપવામાં આવે છે. યોજના અંતર્ગત કોઈ પણ બીપીએલ કે અન્ય ગરીબ પરિવાર પોતાના ઝૂંપડામાં મફત વીજળી કનેક્શન પ્રાપ્ત કરી શકે અને વધુમાં વધુ ગરીબો આ યોજનાનો લાભ લઈ શકે; તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે સમયાંતરે વાર્ષિક આવક સીમામાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે વર્ષ 2018માં રાજ્ય સરકારે ગ્રામ્ય ઝૂંપડાવાસીઓ માટે રૂ. 47 હજારથી રૂ 1 લાખ 20 હજાર સુધી તથા શહેરી ઝૂંપડાવાસીઓ માટે રૂ. 68 હજારથી રૂ. 1.50 લાખ સુધીની આવક મર્યાદા નક્કી કરી. આ અગાઉ આ આવક મર્યાદા ક્રમશઃ ગ્રામ્ય માટે રૂ. 27 હજારથી રૂ. 47 હજાર સુધી તથા શહેરી માટે રૂ. 35 હજારથી 47 હજાર હતી. આવક મર્યાદાનો વ્યાપ વધારવાથી લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો તેમજ વધુમાં વધુ ગરીબોના ઘરે ઉજાશ પ્રસરાવવામાં સફળતા મળી.

રાજ્ય સરકારે ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત અત્યાર (Nov-25) સુધી 10 લાખ 9 હજાર 736 ઝૂંપડાઓમાં મફત વીજ કનેક્શન પૂરા પાડ્યા છે કે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 1 લાખ 52 હજાર 466 ઝૂંપડાઓનું વીજળીકરણ થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2024-25માં આ યોજના હેઠળ રૂ. 1,617.03 લાખના ખર્ચે 25 હજાર 939 ઝૂંપડાઓને મફત વીજ કનેક્શન આપી તેમના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. એટલું જ નહીં; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી વર્ષ 2025-26માં આ યોજના માટે રૂ. 1,617 લાખના ખર્ચની જોગવાઈ કરી છે કે જેથી વધુમાં વધુ ગરીબ ઝૂંપડાવાસોને ઘરોમાં વીજળીનો ઝળકાટ પહોંચી શકે અને તેમના જીવન સ્તરમાં સુધારો આવે તેમજ ઈઝ ઑફ લિવિંગમાં વધારો થાય.

ઝૂંપડા વીજળીકરણ યોજનાનું ઊર્જા તેમજ પેટ્રોરસાયણ વિભાગના અધિક મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળ અમલીકરણ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયૂવીએનએલ)ના મુખ્ય એન્જીનિયર (ટેક) દ્વારા યોજાનું અમલીકરણ કરાય છે. નક્કી આવક મર્યાદા ધરાવતા બીપીએલ કે અન્ય ગરીબ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારી/તાલુકા પંચાયત કચેરીમાં, જ્યારે શહેરી વિસ્તારના લાભાર્થીઓએ નગર પાલિકા/મ્યુનિસિપાલિટી કચેરીમાં અરજી આપવાની હોય છે. રજિસ્ટર્ડ અરજીઓની યાદી સંબંધિત વીજ વિવતરણ કંપના સાથે સંબંધિત ક્ષેત્રીય કચેરી ખાતે મોકલવામાં આવે છે અને ત્યાર બાદ જરૂરી માપદંડ પૂર્ણ કરતા અરજીકર્તાઓને મફત વીજ કનેક્શન આપવામાં આવે છે.

Exit mobile version