
ગુજરાત સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી પણ જાહેરનામું પ્રસિદ્ધ ન કરાતા નારાજગી
ગાંધીનગરઃ રાજ્યમાં ઘણા લાંબા સમયથી ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો શિક્ષકની ભરતીના કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે શિક્ષકોની કાયમી ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરાતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ લડત શરૂ કરી હતી. તેથી રાજ્ય સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ રાજ્ય સરકારે જાહેરાત કર્યાને એક સપ્તાહથી પણ વધુ સમય થયો હોવા છતાં જાહેરનામું પ્રસિદ્ધ ન કરતાં ટેટ અને ટાટ ઉમેદવારોમાં નારાજગી ઊઠવા પામી છે. જે અંતર્ગત ટેટ અને ટાટ ઉમેદવારોએ જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે દરેક જિલ્લાના કલેકટરોને લેખિત રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યભરની સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતી કરવાની યોજના રાજ્યના શિક્ષણ વિભાગે ગત વર્ષે શરૂ કરી હતી જો કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં જ જ્ઞાનસહાયકની ભરતી કરવા માટે શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી હતી. જેના ભાગરૂપે રાજ્યભરના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી અંદાજે 3000 જેટલા ટેટ અને ટાટ પાસ જેટલા ઉમેદવારો ઉમટી પડ્યા હતા. જોકે ઉમેદવારોની અટકાયત પોલીસે કરી દીધી હતી. પરંતુ તેમ છતાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા પુનઃ રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા હતા. જેમાં શિક્ષણ મંત્રીને મળી ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી હતી. આથી સરકારે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની 24,700 ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કર્યાને એક સપ્તાહથી વધારે સમય થવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં નહીં આવતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત લોલીપોપ સમાન બની રહેશે તેવો આક્ષેપ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે.
શાળાઓમાં 24,700 શિક્ષકોની ભરતીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની માંગ સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા કલેક્ટરોને લેખિત રજૂઆત કરવામાં આવશે. એક સપ્તાહથી પણ વધુ સમય થવા છતાં જાહેરનામું પ્રસિદ્ધ નહીં કરવામાં આવતા ટેટ અને ટાટ ઉમેદવારોમાં નારાજગી ઊઠવા પામી છે. (file photo)