Site icon Revoi.in

ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તા. 27મી નવેમ્બરથી ધરમપુરમાં યોજાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ પર આયોજિત ચિંતન શબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ સહભાગી થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં યોજાનાર 12મી ચિંતન શિબિરમાં મંત્રી મંડળના સભ્યો સહિત 241 જેટલા આઈ.એ.એસ, આઈ.પી. એસ સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ સહભાગી થશે. જેમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કર્યું છે તેમ પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષની ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરવામાં આવશે.

ચિંતન શિબિરનો પ્રારંભ તા.27 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રથી થશે તથા બાકીના બે દિવસોમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ચર્ચા સત્ર, જૂથ ચર્ચા, બેઠકો યોજાશે. ત્રિ- દિવસીય ચિંતન શિબિર દરમિયાન વિવિધ વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે.

આ ઉપરાંત શિબિરના સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

 

Exit mobile version