Site icon Revoi.in

ગુજરાતમાં વર્ષ 2024-25ના ધારાધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં આરોગ્ય કેન્દ્રો છે : આરોગ્ય મંત્રી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2024-25ના  ધારા ધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં CHC, PHC અને પેટા કેન્દ્રો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ સેવાઓ આપવા માટે સરકાર હંમેશા સકારાત્મક છે. અમદાવાદ જિલ્લામાં વર્ષ 2024ની સ્થિતિએ 10 સામૂહિક આરોગ્ય કેન્દ્ર- CHC, 40ની સામે 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- PHC જ્યારે ૦૩ પેટા કેન્દ્રો ઉપલબ્ધ છે. વર્ષ 2011ની વસતિના પ્રમાણની સામે ગુજરાતમાં હાલની જરૂરિયાત મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

મંત્રી  પટેલે અમરેલી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો સંદર્ભે કહ્યું હતું કે, અમરેલી જિલ્લામાં વર્ષ 2024-25ની સ્થિતિએ 11 CHC, 13 PHC તેમજ 03 પેટા કેન્દ્રો આવેલા છે. અમરેલી જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન 06 લાખ ઓપીડી અને 64 હજાર આઈપીડી થઈ છે. રાજ્યમાં અંદાજે 25-20 કિ.મી વિસ્તારમાં ડાયાલિસીસ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી કોઈને ડાયાલિસીસ માટે વધુ દૂર જવું ના પડે તેમ, તેમણે ઉમેર્યું હતું.

મંત્રી પટેલે કહ્યું હતું કે, તા. 31 જુલાઈ 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને અમરેલી જિલ્લામાં એક-એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે.

મંત્રીએ કહ્યું હતું કે, સરકારના વસતિના ધારા ધોરણ મુજબ દુર્ગમ અને પછાત વિસ્તારમાં 03 હજારની વસતિએ  એક, સામાન્યમાં 05 હજારની વસતિએ એક પેટા કેન્દ્ર ફાળવવામાં આવે છે. આ ઉપરાંત હાઈવે પર જરૂરિયાત મુજબ ટ્રોમા સેન્ટર પર શરૂ કરવામાં આવ્યા છે. હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મા અને મા અમૃતમ કાર્ડની યોજના રાજ્યમાં શરૂ કરી હતી. જેમાંથી પ્રેરણા લઈને હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAYનો લાભ દેશભરની જનતાને મળી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ સારી યોજનાની શરૂઆત ગુજરાતમાંથી થતી હોય છે તેનું PMJAY ઉત્તમ ઉદાહરણ છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

Exit mobile version