Site icon Revoi.in

ગુજરાતમાં ભાજપનું નહીં પણ ભયનું શાસન ચાલે છેઃ કેજરિવાલ

Social Share

અમદાવાદ,18 જાન્યઆરી 2026:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. શનિવારે સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ પર ઉતરતા કેજરિવાલનું આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોનમાં બુથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. કેજરિવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, 30 વર્ષમાં ભાજપે ગુજરાતને ખાડામાં ધકેલી દીધું છે. ગુજરાતમાં ભાજપનું શાસન નહીં, પરંતુ ભયનું શાસન ચાલે છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં લોક સંપર્ક વધારવામાં આવી રહ્યો છે. પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરિવાલ શનિવારે સાંજે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોચ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોનમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપવા માટે કેજરિવાલ પણ ગુજરાત આવ્યા છે. રવિવારે નિકોલમાં આવેલા ઉદય ગ્રીન પાર્ટી પ્લોટમાં મધ્ય ઝોન બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહિતના નેતાઓ હાજરી આપશે. જ્યારે 19 જાન્યુઆરીએ વડોદરામાં પૂર્વ ઝોન કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. ભાજપની જેમ આમ આદમી પાર્ટી પણ હવે બુથ લેવલ પર કાર્યકર્તાઓને મજબૂત કરવાના પ્રયાસ કરશે. આ તમામ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ સંબોધન પણ કરશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને સંપૂર્ણ રીતે ખાડામાં ધકેલી દીધું છે. ચારેય તરફ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. લોકોમાં ડર છે, ધમકાવવામાં આવે છે. જે કોઈ તેમના વિરોધમાં અથવા અન્યાય સામે અવાજ ઉઠાવે છે, તેને પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે અને તેમના ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. લોકો ખૂબ મોટી આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે. છેલ્લા 6-7 મહિનાથી સમગ્ર ગુજરાતમાં, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે અને તેમાં જનતાની ભારે ભીડ ઉમટી રહી છે.

Exit mobile version