Site icon Revoi.in

ગુજરાતઃ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળ સંગ્રહ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે,તા.11 જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો તેમ,જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 

વધુમાં મધ્ય ગુજરાતના17 જળાશયોમાં સૌથી વધુ  62.83 ટકા જળ સંગ્રહ,સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37 ટકા જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 56.07 ટકા, દક્ષિણ ગુજરાતના13 જળાશયોમાં 55.67 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના15 જળાશયોમાં 46.79 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 56.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયલો છે. 

રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 52.18 ટકા, સૌરાષ્ટ્રમાં 47.01 ટકા, પૂર્વ મધ્યમાં 45.90 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.08 ટકા સરેરાશ વરસાદ થયો છે.  જેના ફળ સ્વરૂપે રાજ્યના 24  જળાશયો 100 ટકાથી વધુ, 54 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે, 44 જળાશયો 50 થી 70 ટકાની વચ્ચે જ્યારે 40 જળાશયો 25 થી 25 ટકાની વચ્ચે ભરાયા છે. જેથી રાજ્યના 38 જળાશયો માટે હાઈ એલર્ટ, 20 જળાશયો એલર્ટ જ્યારે 20 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં હાલની સ્થિતિએ વડોદરા જિલ્લામાં બે સ્ટેટ હાઈવે અને  છોટાઉદેપુર તાલુકામાં માત્ર એક નેશનલ હાઈવે સિવાય બાકીના તમામ રોડ રસ્તા ચાલુ છે. આ બંધ રોડ પણ બનતી ત્વરાએ ચાલુ કરાશે.  

Exit mobile version