નવી દિલ્હીઃ રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા-અર્ચના કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા સહિત શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો. તેમણે કહ્યું, લોકોને રોજગારી મળે તે માટે તેઓ કામ કરશે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ 12.39એ વિજય મુહૂર્તે કાર્યભાર સંભાળ્યો. જ્યારે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રી રિવાબા જાડેજાએ પણ આજે કાર્યભાર સંભાળતાં પક્ષના ઉચ્ચ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના સભ્યોને ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ફાળવણીમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના સ્વર્ણિમ સંકુલમાં કચેરીના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓનું સ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સ્વર્ણિમ સંકુલ-૧ માં ત્રીજો અને ચોથો માળ યથાવત રાખવામાં આવ્યો છે. કેબિનેટ કક્ષાના મહત્ત્વના મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-૧ માં ચેમ્બર ફાળવવામાં આવી છે.
બીજો માળે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ, અને કુવરજી બાવળીયાને ચેમ્બર ફાળવવામાં આવી છે. પ્રથમ માળે નાણામંત્રી કનુ દેસાઈની ચેમ્બર યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત, આ જ માળે નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણભાઈ સોલંકીને ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યકક્ષાના મંત્રીઓનું સ્થાન સ્વર્ણિમ સંકુલ-૨ માં રાજ્યકક્ષાના મંત્રીઓને ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે. આમાં, રાજ્યકક્ષામાં સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓને સંકુલ-૨ ના પ્રથમ માળે ચેમ્બર ફાળવવામાં આવી છે. આ ચેમ્બર ફાળવણી સાથે, મંત્રીઓએ હવે વિધિવત રીતે તેમના સરકારી કાર્યાલયમાં બેસીને રાજ્યના વહીવટી કાર્યોની શરૂઆત કરશે.