ગુજરાતઃ હેલ્મેટ વિના વાહન હંકારતા 19 લાખ ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ
અમદાવાદ, 21 માર્ચ 2026: ગુજરાતમાં માર્ગ સુરક્ષાને લઈને ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યભરમાં લાખો વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સરકારી અહેવાલ મુજબ, હજુ પણ મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા પાયાના સુરક્ષા નિયમોને સદંતર અવગણી રહ્યા છે, જે જીવલેણ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યા છે.
ગૃહ વિભાગના રિપોર્ટ અનુસાર, સૌથી વધુ બેદરકારી હેલ્મેટ પહેરવામાં જોવા મળી છે. 19 લાખથી વધુ વાહનચાલકો હેલ્મેટ વગર ઝડપાયા છે. આવી જ રીતે 4.29 લાખ વાહન ચાલકો સીટબેલ્ટ ન પહેરવા બદલ દંડાયા છે. તેમજ ગતિ મર્યાદાનો ભંગ કરનારા 4.11 લાખ ચાલકો સામે કાર્યવાહી થઈ છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલ વાપરતા 2.37 લાખ લોકો સામે લાલ આંખ કરાઈ છે. જ્યારે નશાની હાલતમાં વાહન ચલાવતા 35611 લોકો વિરુદ્ધ ગુના નોંધાયા છે.
રોડ સેફ્ટી ઓથોરિટીએ રાજ્યના સૌથી વધુ જોખમી એવા 32 ‘બ્લેક સ્પોટ'(અકસ્માત સંભવિત વિસ્તારો) ઓળખી કાઢ્યા છે. જેમાં વડોદરા પાસે આવેલો વરેડિયા અને વેમાલી વચ્ચેનો માર્ગ સૌથી વધુ ભયાનક સાબિત થયો છે. આ ચોક્કસ પટ્ટા પર થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં 281 લોકોના મોત નીપજ્યા છે, જેમાં આશ્ચર્યજનક રીતે 78 રાહદારીઓનો પણ સમાવેશ થાય છે.
આ આંકડાઓ સાબિત કરે છે કે દંડની રકમ વધારવા છતાં વાહનચાલકોની માનસિકતામાં અપેક્ષિત બદલાવ આવ્યો નથી. ગૃહ વિભાગ હવે આ બ્લેક સ્પોટ પર ખાસ સ્પીડ ગન, સીસીટીવી સર્વેલન્સ અને પેટ્રોલિંગ વધારવાની તૈયારી કરી રહ્યું છે. માર્ગ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે માત્ર દંડ નહીં, પરંતુ લોકોમાં સ્વ-શિસ્ત કેળવાય તે પણ એટલું જ જરૂરી છે.
આ પણ વાંચોઃ કમોસમી વરસાદથી ખેતીને ફટકો, કૃષિમંત્રીએ નુકસાનીના સર્વેના આદેશ આપ્યા


