Site icon Revoi.in

વિદેશી પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત, 35 લાખથી વધુ પક્ષીઓ બન્યાં મહેમાન

Social Share

ગાંધીનગર, 8 મે 2026: Gujarat safe for foreign birds ગુજરાત દેશ-વિદેશના પ્રવાસીઓની સાથે વિદેશી પક્ષીઓ માટે પણ પસંદગીની રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં છેલ્લા એક વર્ષમાં રાજ્યની પાંચ ‘રામસર સાઈટ’ વિસ્તાર, નડાબેટ તેમજ કચ્છના ‘રોડ ટુ હેવન’માં અંદાજે કુલ ૩૫ લાખથી વધુ યાયાવર- સ્થાનિક પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. સરહદી જિલ્લા એવા વાવ-થરાદમાં આવેલું ‘નડાબેટ’ એ પ્રવાસીઓની સાથે પક્ષીઓની પણ પહેલી પસંદ બન્યું છે, એટલે કે, આ વર્ષે નડાબેટ ખાતે સૌથી વધુ ૧૪ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.

જામનગરના ‘ખીજડીયા પક્ષી’ અભયારણ્ય ખાતે સૌથી વધુ કુલ ૩૪૭ પ્રજાતિઓના પક્ષીઓની હાજરી જોવા મળી છે. આ તમામ ગતિવિધિ પરથી સાબિત થાય છે કે પક્ષીઓ માટે ગુજરાત પહેલી પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. આ પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતના મહેમાન બને છે તેમ, વન વિભાગ અંતર્ગત વાઈલ્ડલાઈફ પ્રભાગ દ્વારા જણાવાયું હતું.

વિશ્વભરમાં દર મે માસનો બીજો શનિવાર ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે વિવિધ રીતે ઉજવવામાં આવે છે. જેની થીમ આ વર્ષે ‘પ્રત્યેક પંખી મહત્વનું છે, આપણું નિરીક્ષણ એટલે જ અગત્યનું છે’  સમગ્ર ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, વન્ય પ્રાણી-પક્ષી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે.

*નડાબેટ વેટલેન્ડ : વાવ થરાદ*

જાન્યુઆરી – ૨૦૨૬માં નડાબેટ જળપ્લાવિત વિસ્તારમાં વાવ થરાદ રેન્જ ખાતે યાયાવર પક્ષીની ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ રેન્જમાં ૧૮૩ પ્રજાતિના કુલ ૧૪.૯૦ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે. જેમાં મુખ્યત્વે લેસર ફ્લેમિંગો – નાનો હંજ- સુરખાબ ૯ લાખથી વધુ,  બ્લેક વિંગડ સ્ટીલ્ટ-ગજપાંવ  ૧.૬૩ લાખથી વધુ, ગ્રેટર ફ્લેમિંગો–સુરખાબ- મોટો હંજ ૧.૨૦, લાખથી વધુ, ગ્રેટ વ્હાઇટ પેલિકન- ગુલાબી પેણ ૧ લાખથી વધુ, વોટરફોલ એસપી  ૫૦ હજારથી વધુ, યુરેસિયન કૂટ- ભગતડું  ૨૫ હજારથી વધુ, કોમન સેન્ડપાઇપર ૨૧ હજાર, ગ્રીન સેન્ડપાઇપર  ૧૫ હજાર, ઇન્ડિયન કોર્મોરન્ટ ૯ હજાર, ગુલ સ્પે ૭ હજાર તેમજ બ્લેક હેડેડ ગુલ – શ્યામશિર ધોમડોની સંખ્યા ૭ હજાર નોંધાઇ છે. આ ઉપરાંત ગ્રેટ કોર્મોરન્ટ, મોટો કાજીયો  યુરેસિયન સ્પૂનબિલ,ડેલ્મેશિયન પેલિકન, ડક એસપી,બર્ન સ્વેલો- શિયાળુ તારોડિયુ, રોઝી સ્ટર્લિંગ-ગુલાબી વૈયું, બ્રાઉન હેડેડ ગુલ- લડાખી ધોમડો, કોમન ક્રેન- કુંજ,પાઇડ એવોકેટ – ઉલટી ચાંચ તથા લિટલ કોર્મોરન્ટ- નાનો કાજીયો જોવા મળ્યા છે.

રોડ ટુ હેવન – કચ્છ

કચ્છના ધોળાવીરા વિસ્તારમાં રણની વચ્ચે આવેલા આ નવીન પ્રવાસન સ્થળ એવા ‘રોડ ટુ હેવન’ની આજુબાજુ દેશ વિદેશના સ્થળાંતરિત પક્ષીઓ જોવા મળે છે. જેમાં સૌથી વધુ સુરખાબ ઉપરાંત પેલિકન, શિગલ, સ્ટીલડ, રીવર્ટન, પેઇન્ટેડ સ્ટોર્ક, કુંજ એમ કુલ ૭.૯૦ લાખથી વધુ પક્ષીઓ ચાલુ વર્ષે નોંધાયા છે. ગત વર્ષે આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ થયો હોવાથી દેશ વિદેશના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

   *નળ સરોવર પક્ષી અભયારણ્ય

વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૭૦ પ્રજાતિઓના કુલ ૬.૪૨ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આવ્યા હતા. આ પક્ષીઓમાં મુખ્યત્વે સોવલર, પિન્ટેલ, ગોડવિટ, ગુઝ, પેલિકન, ફ્લેમિંગો, ગર્ગીની, પોચારડ, ઇગલ, ક્રેન, વેડર્સ, સ્ટ્રોક, કૂટ, સ્પૂન બિલ, ઇગ્રેટની વગેરેના પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. મધ્ય એશિયાના પથ વે પર આવતા નળ સરોવરને વર્ષ ૧૯૬૯માં પક્ષી અભિયારણ્યનો જ્યારે વર્ષ ૨૦૧૨માં ‘રામસર સાઇટ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સરોવર અંદાજે ૧૨૦ ચો. કી.મી વિસ્તારમાં ફેલાયલું છે. વન વિભાગ દ્વારા દર બીજા વર્ષે પક્ષીઓની અંદાજીત ગણતરી કરવામાં આવે છે.

થોળ વન્યજીવ અભયારણ્ય

વર્ષ ૨૦૨૧થી ‘રામસર સાઈટ’નો દરજ્જો ધરાવતા થોળ વન્યજીવ અભયારણ્યમાં વર્ષ ૨૦૨૬માં કુલ ૨૦૫ પ્રજાતિઓના કુલ ૭૪,૪૫૨ યાયાવર પક્ષીઓએ મહેમાન બન્યા હતા. વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે.

ખીજડીયા પક્ષી અભયારણ્ય-જામનગર

જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક-ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૨પ-૨૬માં ૩૪૭ પ્રજાતિઓના કુલ ૩.૧૨ લાખથી વધુ સ્થળાંતરીત પક્ષીઓ મુલાકાતે આવ્યા હતા.

ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પાણી પર, જમીન પર, ઝાડ પર, કાદવ કીચડ, શિકારી તથા લાંબા પગ પગવાળા વગેરે પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૪૭ જેટલી પક્ષીની પ્રજાતીઓ જોવા મળી છે. જેમાં ૧૯૦ જેટલા યાયાવર પક્ષીઓ જેવા કે  સાઈબેરીયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગેલીયા, ઈરાક, ઇરાન, યુરોપ, સાઉથ અમેરિકા વગેરે જેવા દેશોમાંથી આવીને ખીજડીયાના મહેમાન બની અભયારણ્યની શાનમાં વધારો કરે છે. આ અભયારણ્યને વર્ષ ૨૦૨૧માં ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે.

છારી ઢંઢ’ : રામસર સાઇટ કચ્છ

કચ્છમાં આવેલા છારી ઢંઢ એવા મીઠા પાણીના સરોવરને ચાલુ વર્ષ ૨૦૨૬માં ગુજરાતની પાંચમી ‘રામસર સાઇટ’ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું છે. ભુજથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલું આ સરોવર અંદાજે ૨૨,૭૦૦ હેક્ટરમાં ફેલાયેલુ છે. દેશ વિદેશના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આ સરોવરમાં હજારો કિ.મી.નું અંતર કાપીને સાઇબેરીયા સહિત પ્રદેશોમાંથી કુંજ સહિત અનેક પક્ષીઓ ગુજરાતના મહેમાન બને છે.

 

Exit mobile version