Site icon Revoi.in

ગુજરાત સાહિત્ય અકાદમીઃ જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ કરાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ જવાહર બક્ષીને અપાયો. ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ 2024 માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર રમેશ પોખરીયાલવે હસ્તે આ પારિતોષ એનાયત કરવામાં આવ્યો.

ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભગ્યેશ જહા તથા મંત્રી જયેન્દ્ર જાદવે ડો. જવાહર બક્ષીને સન્માન પત્ર તથા એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. હોટલ લીલા ગાંધીનગર ખાતે યોજાયેલ બે દિવસના રાષ્ટ્રીય સાહિત્ય સંમેલનમાં અનેક પ્રાંતના સાહિત્યકારો વચ્ચે પ્રતિભાવ આપતાં જવાહર બક્ષીએ જણાવ્યું હતું કે મેં ગઝલ લખવાનો પ્રારંભ કર્યો ત્યારે ઊર્દુ શબ્દો તથા શરાબ સાકી બુલબુલ પારધી જેવા પ્રતીકોની ભરમાર હતી તેના કરતાં શુદ્ધ ગુજરાતી અને શુદ્ધ કાવ્યમય ગઝલો લખવાનું શરૂ કર્યું. સૂફીવાદ ના પ્રેમ સાથે યોગ વેદાંતની ભૂમિકા વાળી ગઝલો આપી. ગઝલના ચુસ્ત બંધારણ ના સીમાડા વિસ્તારવા તળપદા પ્રકારો દુહા ગીત છપ્પા કુંડળી ભજન આખ્યાન સાથે સંયોજન અને દેશી છંદો અને શાસ્ત્રીય વિષયો તથા અષ્ટ નાયિકા જેવી ગઝલો ગુજરાત તથા ભારતને ચરણે ધરી છે.

ત્રણ બેઠકોમાં સાહિત્ય સમાજ અને સંસ્કૃતિ પર વિશદ અને મૌલિક ચિંતન થયું હતું તેમજ બહુભાષી કવિ સંમેલન તથા સંગીત નાટક અકાદમીના પ્રમુખ સંધ્યા પુરેચાના શિષ્યો દ્વારા શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ થઈ હતી.