ગાંધીનગરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં માવઠુ પડ્યાના વાવડ પણ મળ્યા છે. દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં માવઠાની આગાહી કરી છે. દરિયો તોફાની બનવાની શક્યતા છે. અને તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ મુકવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. દરિયા કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા જમાવાયુ છે. માછીમારો માટે સિગ્નલ આપવામાં આવ્યું છે. હાલ ગુજરાત માટે કોઈ વોર્નિંગ નથી. પરંતુ કોસ્ટલ એરિયા માટે વોર્નિંગ અપાઈ છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. બીજી બાજુ હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે. લો પ્રેશર સક્રિય થતાં બે દિવસ બાદ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. સાથે જ પવનના કારણે ઠંડીનો અહેસાસ થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે, હવામાન વિભાગની આગાહીને લઈને દરિયાકાંઠે સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયા કિનારા પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ જિલ્લાના દહેજ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના 3 તાલુકાના 29 જેટલા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના 29 ગામોમાં દહેજ, જાગેશ્વર, ભાડભૂત, આલિયાબેટ, વમલેશ્વર, અખોડ , લખીગામ, લુવારા, અંભેટા, રહીયાદ, સુવા, કોલીયાદ, કલાદરા, વેંગણી, ગંધાર, અલાદરા, પણિયાદરા, પાદરીયા, નણરાવી,ગોલાદરા, સમલી, કંટીયાજાળ, વમલેશ્વર, કતપોર, અંભેટા, પારડી, હાંસોટ સહિતના ગામનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના સમુદ્રકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ જાફરાબાદ પીપાવાવના દરિયાકરાંઠે 24 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ અને વેરાવળના દરિયાકાંઠે પણ 1 નંબરનું સિગ્નનલ લગાડવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. (file photo)