
અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો, મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઈપોડના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં ગરમી-ઠંડી મિશ્રિત ઋતુમાં વાતાવરણ વાદળછાંયુ બનતા મછ્રજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. દૂષિત પાણીને કારણે લીધે ઝાડા ઊલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં 10 દિવસ દરમિયાન શહેરમાં ટાઇફોઇડના કુલ 156 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઊલટીના 130 અને કમળાના 122 કેસ નોંધાયા છે. પાણી જન્ય રોગચાળાને પગલે મ્યુનિ.કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને અમદાવાદ મ્યુનિ. દ્વારા પાણીના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરતા પાણીનાં સેમ્પલ લેવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે, જેથી પાણીજન્ય રોગચાળો નિયંત્રણમાં લઈ શકાય. પાણીજન્ય રોગચાળાને પણ નિયંત્રણમાં લેવા માટે કરાયેલી પાણીની તપાસમાં 35 જેટલા નમૂનામાં ક્લોરિનનો રિપોર્ટ નીલ આવ્યો છે. જ્યારે 26 જેટલા પાણીનાં સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી મળતાં તે અનફિટ જાહેર કરાયાં છે. બીજી તરફ મચ્છરજન્ય તાવના કેસ નોંધાયા હતા. આંકાડીકય રીતે જોઈએ તો છેલ્લા 10 દિવસમાં સાદા મેલેરિયાના 9 કેસ, ઝેરી મેલેરિયાના 4 કેસ, ડેન્ગ્યુના 67 કેસ તથા ચિકનગુનિયાના પણ 7 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે 14 હજાર 814 જેટલા લોહીના નમૂના તથા 558 જેટલા સીરમ સેમ્પલ લેવામાં આવ્યાં છે. અત્રે નોંધનીય છે કે હાલમાં ઠંડી , વરસાદ તથા દિવસ દરમિયાન થોડી ગરમીનો અનુભવ થતો હોય છે આ પ્રકારે વાતાવરણ બદલાતા બાળકોમાં વાયરલ તાવના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે તો ઘણા લોકો સૂકી ઉધરસ, શરદી અને કફથી સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે.