Site icon Revoi.in

ગુજરાતઃ ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારી

Social Share

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા બની છે. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારીને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ (ઘઉં અને ચોખા) આપવામાં આવે છે.

સુરતના મંજૂલાબેન પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેમના પતિ ગુજરાન ચલાવવા માટે ખેતી કામ અને મજૂરી કરે છે, જેનાથી મહિને ફક્ત 8 હજાર થી 10 હજાર રૂપિયાની આવક થાય છે. આવી પરિસ્થિતિમાં, સરકાર દ્વારા મળતું અનાજ તેમના તેમના પરિવારના ચાર સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગુજરાતમાં 76.6 લાખથી વધુ NFSA રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળે છે, જે લગભગ 3.72 કરોડથી વધુ લોકોની જનસંખ્યા આવરી લે છે. ધનંજય દુબે જેવા ઓટો-રિક્ષા ચાલકો માટે જાહેર વિતરણ વ્યવસ્થામાંથી મળતું સસ્તું અનાજ આશીર્વાદરૂપ છે. ખાસ કરીને જ્યારે રોજિંદી આવક અનિશ્ચિત હોય. સુરતમાં ઓટો-રિક્ષા ચલાવતા ધનંજય દુબે ‘વન નેશન, વન રેશન કાર્ડ’ યોજનાને ‘ગેમ ચેન્જર’ કહે છે. કારણ કે તેઓ મૂળ બિહારના છે, પરંતુ હવે સમગ્ર દેશમાં ગમે ત્યાંથી સરળતાથી અનાજ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ વિસ્તૃત કરવાની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી 7 માર્ચ, 2025ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સુરતથી એક જ સમયે, એક સાથે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. તેમાં ખાસ કરીને ગંગાસ્વરૂપા (વિધવા) બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતની આ સેવાકીય યોજનાઓ દેશભરમાં રોલ મોડલ બની રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એ સુનિશ્વિત કરે છે કે રાજ્યમાં એકપણ વ્યક્તિ ભૂખ્યું ન રહે.

Exit mobile version