1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત GST વસુલાતમાં મોખરે, 2022ના વર્ષમાં કલેકશન એક લાખ કરોડને વટાવી ગયું

ગુજરાત GST વસુલાતમાં મોખરે, 2022ના વર્ષમાં કલેકશન એક લાખ કરોડને વટાવી ગયું

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ઉદ્યોગોને સારોએવો વિકાસ થયો છે. સ્ટાર્ટઅપ પોલીસીને કારણે નવા અનેક ઉદ્યોગો સ્થપાયા છે.ઉપરાંત વેપાર-વણજમાં પણ વધારો થયો છે. તેના લીધે ગુજરાતની જીએસટીની આવકમાં ધરખમ વધોરો થઈ રહ્યો છે. રાજ્યમાં 2022ના વર્ષમાં જીએસટી વસુલાત એક કરોડને પાર કરી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળ બાદ અર્થતંત્ર હરણફાળ ભરી જ રહ્યું છે અને ભારતનું જીએસટી કલેકશન સળંગ 10માં મહિને 1.40 લાખ કરોડથી વધુ નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં પણ કર વસૂલાત વાર્ષિક ધોરણે પ્રથમ વખત 1 લાખ કરોડને પાર થયું છે. વર્ષ 2022માં ગુજરાતનું જીએસટી કલેકશન 1.1 લાખ કરોડ નોંધાયું છે જે 2021ની સરખામણીએ 17 ટકા વધુ છે. વાર્ષિક ધોરણે જીએસટી વસૂલાત 1 લાખ કરોડને પાર થયાનું પ્રથમ વખત બન્યું છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ડીસેમ્બર મહિનામાં ગુજરાતનું જીએસટી કલેકશન 9238 કરોડ નોંધાયું હતું જે 2021ના ડીસેમ્બરના સરખામણીએ 26 ટકા વધુ છે. રાષ્ટ્રીય સ્તરે પણ જીએસટી વસૂલાત સતત વધી જ રહી છે. ડીસેમ્બરનું કલેકશન 1.49 લાખ કરોડ નોંધાયું હતું જે ગત વર્ષના ડીસેમ્બર કરતા 15 ટકા વધુ રહ્યું છે. આયાતી ચીજો પરની આવકમાં 8 ટકા તથા ઘરઆંગણાના વ્યવહારો પરની જીએસટી વસૂલાતમાં 18 ટકાની વૃધ્ધિ માલુમ પડી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવેમ્બર મહિનામાં 7.9 કરોડ ઇ-વે બીલ જનરેટ થયા હતા જે ઓક્ટોબરના 7.6 કરોડની સરખામણીએ નોંધપાત્ર વૃધ્ધિ દર્શાવે છે. નાણા મંત્રાલયના સુત્રોએ કહ્યું કે સરકાર દ્વારા ટેક્સ ચોરો પર અસરકારક કામગીરી કરાતા અને છટકબારીઓ ડામી દેવાયાને પગલે વસૂલાત વધી રહી છે અને આવતા મહિનાઓમાં હવે દોઢ લાખ કરોડની વસૂલાત કાયમી બની રહેવાનો અંદાજ છે. મોંઘવારી તથા સ્લો-ડાઉનની આશંકા છતા ભારતમાં ડીમાંડ મજબૂત જ બની રહી હોવાનું તારણ નીકળ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code