અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવી છે. ત્યારે હજુ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા હોવાને કારણે કોલેજ પર વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે પરંતુ કેટલીક કોલેજોમાં સીટો ઉપલબ્ધ જ નથી. જેથી ખાનગી કોલેજોએ BBA-BCAના કોર્ષ માટે બેઠકો વધારવા અને ગ્રાન્ટ ઇન એડ કોલેજોએ B.COMમાં બેઠકો વધારવા માંગણી કરી છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમામ સીટો ભરાઈ ગયા બાદ જો વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહે તો જ બેઠકો વધારવાનો નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે પર્થમ વર્ષમાં પ્રવેશ માટેનો ધસારો સારોએવો રહ્યો. ઓનલાઈન પ્રવેશ બાદ ઓફલાઈન પ્રવેશ અપાયા બાદ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. આ વર્ષે ધો. 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું તેના લીઘે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યમાં વધારો થયો છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં બેઠકો દર વર્ષ જેટલી રાખવામાં આવી છે. BBA-BCA માટે માંગણી વધી છે પરંતુ સીટ માર્યાદિત છે. જેથી અનેક વિદ્યાર્થીઓને હજુ પ્રવેશ મળ્યો નથી. અનેક કોલેજોમાં એડમિશન ફુલ થયા હોવા છતાં હજુ વિદ્યાર્થીઓ BBA-BCAમાં પ્રવેશ માટે આવી રહ્યા છે અને બીજી તરફ ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં પણ B.COM માટે વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે જેથી ખાનગી કોલેજોએ BBA-BCA માટે જયારે ગ્રાન્ટ ઇન એઈડ કોલેજોએ B.COM માટે બેઠકોમાં વધારો માંગ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતુ કે અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તેમાં તમામ બેઠક ભરાયા બાદ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે તો એડમિશન કમિટી સાથે ચર્ચા કરીને બેઠક વધારવામાં આવશે. પરંતુ અત્યારે તમામ કોલેજની બેઠક ભરવામાં આવશે. કોઈ પણ પ્રવેશથી વંચિત ના રહે તેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.