Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી.એચ ડીની પ્રવેશ પરીક્ષા 12મી ઓગસ્ટના રોજ લેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીના પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા. 12મી ઓગસ્ટના રોજ લેવામાં આવશે. પીએચડીમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ 17 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને ફી ભરવાની રહેશે. 29 જુલાઈએ હાર્ડ કોપીમાં ફોર્મ, માર્કશીટ સહિતના તમામ ડોક્યુમેન્ટ સબમીટ કરાવવાના રહેશે. 31 જુલાઈએ પ્રોવિઝનલ એલિજિબલ અને નોન એલિજેબલ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવશે. એલીજીબિલિટીમાં કોઈ વિદ્યાર્થીને વાંધો હોય તો તે સંબંધિત વિભાગમાં જરૂરી પુરાવા સાથે 2 ઓગસ્ટ સુધીમાં રજૂઆત કરી શકશે. 5 ઓગસ્ટે સુધારેલી પ્રોવિઝનલ યાદી મુકવામાં આવશે. 6 ઓગસ્ટના રોજ એડમિટ કાર્ડ આપવામાં આવશે અને 12 ઓગસ્ટના રોજ પ્રવેશ પરીક્ષા લેવાશે.

ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પીએચડીમાં પ્રવેશ માટે 12 ઓગસ્ટના રોજ પ્રવેશ પરીક્ષા લેવાશે. જેમાં કુલ 100 પ્રશ્નો હશે જેમાંથી 50 પ્રશ્નો રિસર્ચ, જનરલ એનાલિટિક્સ, સ્કિલ, મેન્ટલી એબિલિટી, રીઝનીંગ અને અંગ્રેજી કોમ્યુનિકેશનના હશે. જ્યારે બાકીના 50 પ્રશ્નો વિષયને આનુસંગિક હશે. સમગ્ર પરીક્ષા હેતુલક્ષી હશે. જેમાં પાંચ ઓપ્શન આપવામાં આવશે. પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. 12 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન ઓફલાઈન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પરીક્ષા યોજાશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતકમાં પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો તબક્કો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 18 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન વિદ્યાર્થીઓ કવીક રજીસ્ટ્રેશન કરાવીને GCAS પર ઓનલાઇન અરજી સબમીટ કરાવી શકશે. 21 અને 22 જુલાઈના રોજ અગાઉ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ અરજી કરેલી હોય તેમાં સુધારણા કરી શકશે. 18થી 23 જુલાઈ દરમિયાન જીકાસ પોર્ટલ પર સબમીટ કરેલી અરજી અને ઓરીજનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન નજીકના સેન્ટર પર કરાવવાનું રહેશે. 25 અને 26 જુલાઈ દરમિયાન જીકાસ પોર્ટલ પર ડેશબોર્ડ પર લોગ ઇન કરી યુનિવર્સિટી અને કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવાની રહેશે. ઓફર મળી હોય તો ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે કોલેજ કે યુનિવર્સિટી પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.