ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વાર-તહેવારે ઉત્સવો ઊજવવામાં આવતા હોય છે. વિવિધ ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. ટુરિઝમને વેગ આપવા તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે લોકોત્સવ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં નવરાત્રી ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ સહિતના ઉત્સવો ઊજવવા પાછળ કુલ 57 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચ કર્યો છે.
ઉત્સવઘેલી ગુજરાત સરકાર પ્રજાના ટેક્સના પૈસો ઉત્સવો પાછળ ખર્ચી રહી છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ઉત્સવો પાછળ સરકાર દ્વારા 57 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એમાંય ખાસ કરીને રણોત્સવ પાછળ રૂપિયા 20.98 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પ્રવાસનને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવાની વાત કરીને સરકાર તેની પાછળ ધૂમ ખર્ચાઓ કરી રહી છે. પ્રજા અસહ્ય મોંધવારીનો સામનો કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં નવરાત્રી ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ સહિતના ઉત્સવો ઉજવવા પાછળ કુલ 57 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચ કર્યો હતો. ગુજરાત સરકારે વર્ષ 2021 અને 2022માં ઉત્સવોના આયોજન પાછળ રૂ.57 કરોડ 5 લાખ 91 હજારનો જંગી ખર્ચો કર્યો હતો. જેમાંથી 55 કરોડ31 લાખ45 હજાર તો માત્ર ડેકોરેશન અને તેને સંલગ્ન સેવાઓ આપનારા જ લઈ ગયા છે. નવાઈની વાત તો એ છેકે, રણોત્સવમાં રૂ.20 કરોડ 98 લાખના ખર્ચા પછી પણ કચ્છનું સફેદ રણ જોવા ખાસ મહેમાનો આવ્યાં નહીં. વિદેશથી આખા વર્ષમાં કચ્છનું સફેદ રણ જોવા માટે માત્ર 465 પ્રવાસીઓ જ આવ્યાં હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નવરાત્રિ ફેસ્ટિવલ, રણોત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ, રંગ છે મેઘાણી, ગાંધી જયંતિ મહોત્સવ, ધોળાવિરા ઉત્સવ, આઝાકી કા અમૃત મહોત્સવ, શિવવંદના, તરણેતરનો મેળો, માધવપુર મેળો, રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલ, અસ્મિતાનો ઉત્સવ, ઋષિ વંદના, દશેરા મહોત્સવ અને શ્રી ૫૧ શક્તિપીઠ જેવા અનેક આયોજનોમાં સરકારે ધૂમ ખર્ચ કર્યો છે. પ્રવાસનવિભાગે ગૃહમાં માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં માત્ર નવરાત્રિ ફેસ્ટિવલ પાછળ જ રૂ. 993 લાખનો ખર્ચ કરાયો હતો જયારે કચ્છમાં રણ ઉત્સવ પાછળ રૂ.2038 લાખ ખર્ચવામાં આવ્યા હતાં. આ જ પ્રમાણે, આઝાદી કા અમૃત મહોત્સવ પાછળરૂ.627 લાખનો ધુમાડો કરાયો હતો. માધવપુરના મેળા પાછળ પણ પ્રવાસન વિભાગે રૂ. 802 લાખ ખર્ચ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આપેલા જવાબમાં વર્ષ 2021માં રણોત્સવમાં રૂ.8.16 કરોડનો ખર્ચ કર્યો ત્યારે માત્ર 76 વિદેશી પ્રવાસીઓ જ આવ્યા હતા. ચૂંટણીના વર્ષે સરકારે નવરાત્રિ પાછળ બમણો ખર્ચો કર્યો હતો. તદ્ઉપરાંત વર્ષ 2022માં માધવપુર તથા દ્વારકાના મેળા પાછળ રૂ.8 કરોડ અને મેંગો ફેસ્ટિવલ પાછળ રૂ. 1.64 કરોડ જેવી જંગી રકમ ખર્ચાઈ છે. મોટાભાગનો હિસ્સો ડેકોરેશન અને તેને આનુસંગિક સેવાઓ પાછળ ખર્ચ કરાયો છે. એમ બે મહોત્સવને બાદ કરતા શિવવંદના, માધવપુરનો મેળો, મેંગો ફેસ્ટિવલ, અસ્મિતાનો ઉત્સવ, ઋષિ વંદના, 51 શક્તિપીઠ પરિક્રમા એમ કુલ 6 નવા મહોત્સવો સાથે 13 ઉત્સવોના આયોજન પાછળ રૂ.36,48 કરોડનો ખર્ચો કર્યો હતો. આ બંને વર્ષમાં રૂ. 81.72 લાખ ટીવી અને અખબારોમાં જાહેરાત પાછળ, રૂ. 21 લાખ હોટેલ અને રૂ.70.53 લાખ વાહનોના ભાડા પાછળ ખર્ચ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, ગુજરાતમાં દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે ખૂબ પ્રયાસો કરાય છે. એટલુ જ નહી, પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ધુમાડો કરાયા બાદ પણ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં. આમ, પ્રવાસન વિભાગ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં નિષ્ફળ રહ્યુ છે.